Ahmedabadતા.૧૯
શહેરના અમરાઇવાડી વિસ્તારમાંથી બે કરોડની બનાવટી ચલણી નોટો સાથે છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે મોટો ખુલાસા થઇ રહ્યા છે અને તેના તાર સુરત સુધી જોડાયા છે. નકલી નોટોના કેસમાં આશ્રમ સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચે પ્રદીપ જોટાંગિયાની ધરપકડ કરી છે. પ્રદીપ, સત્યમ યોગ ફાઉન્ડેશનન આશ્રમનો સંચાલક છે. પ્રદીપ ગુરુજી ગાડીમાંથી જ મળી આવ્યો હતો.
આ સમગ્ર પકરણમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. પ્રદીપ જોટાંગિયાની ધરપકડ બાદ વધુ એક રસપ્રદ માહિતી સામે આવી રહી છે કે, નકલી ચલણી નોટો આશ્રમમાં છપાતી હતી. જ્યારે સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાં હેરાફેરી થતી હતી. નોટોની સપ્લાય માટે આયુશ મંત્રાલયના નામનો ઉપયોગ થતો હતો. ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં કાર્યવાહી કરી છે.
સુરતના કામરેજ ખાતે આવેલા સત્યમ યોગ ફાઉન્ડેશનના આગેવાન પ્રદીપની સંડોવણી સામે આવી છે. આ દરમિયાન સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે, સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી ક્રિષ્ણા સોસાયટીના ૭૭ નંબરના બંગલામાં રહેતો મુકેશ પટેલ આ નોટો છાપતો હતો. મુકેશ પટેલે ભાડેથી આ મકાન રાખ્યો છે. કહેવાય છે કે, આ બંગલામાં નોટો છાપવામાં આવતી હતી. અહીંથી નોટો કામરેજ ખાતે આવેલા આશ્રમમાં મોકલવામાં આવતી હતી. ત્યાંથી ગાડી ભરીને નોટો અમદાવાદ લઇ જવામાં આવતી હતી. આ દરમિયાન બાતમીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે અને બે કરોડની બનાવટી નોટો પકડી સમગ્ર કાળા ધંધાનો પ્રર્દાફાશ કર્યો છે.
હાલ પોલીસ તપાસમાં આવી રહેલી પ્રાથમિક વિગત મુજબ, આ પ્રકરણમાં ઝડપાયેલો પ્રદીપ ગુરુજી અગાઉ રાજકોટમાં રહેતો હતો. પ્રદીપ ગુરુજી રાજકોટમાં પટેલ ફાઉન્ડેશનના નામથી યોગ ક્લાસ ચલાવતો હતો. થોડા વર્ષોથી પ્રદીપ ગુરુજી સુરતમાં યોગ આશ્રમ શરૂ કર્યો હતો.વર્ષ ૨૦૧૮માં યોગગુરૂ પ્રદિપનો આપઘાતનો પ્રયાસ કર્યો હતોઃ વર્ષ ૨૦૧૮માં સત્યમ ફાઉન્ડેશન આશ્રમના યોગગુરૂ પ્રદિપે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યોગગુરૂએ આપઘાતનો પ્રયાસ કરતા પહેલા સાત પાનાની સુસાઇડ નોટ લખીને ૧૦ જેટલા સાધકો દાનમાં આપેલા પૈસાની પઠાણી ઉઘરાણી કરીને પરત માંગે છે તેવો આક્ષેપ કર્યો હતો. યોગગુરૂ પ્રદીપજી લોકોને યોગ શીખવાડતો હતો. તેણે કપાસના પાકમાં છાંટવાની દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. યોગગુરૂએ આપઘાત કરતા પહેલા સાત પાનની સ્યૂસાઇડ નોટ લખી હતી. જેમાં સાઘકો તેની પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હોવાની ફરિયાદ કરી હતી. તેણે આ નોટમાં દસ સાધકોનાં નામ પણ લખ્યાં હતા. તેણે સાધકોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, શહેરના અમરાઇવાડી વિસ્તારમાંથી બનાવટી ચલણી નોટો સાથે છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી ?૨ કરોડની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે છ શખ્સોની ધરપકડ કરી છે. આ તમામ નોટો ?૫૦૦ના દરની છે. હાલ પોલીસે તમામની ધરપકડ કરી આ બનાવટી ચલણી નોટો મામલે વધુ તપાસ હાથ ધરી છે. હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. અમદાવાદમાં નકલી નોટ પકડાવવા અંગે મોટો ખુલાસો થયો છે. સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાં હેરાફેરી થતી હતી. નોટોની સપ્લાય માટે આયુશ મંત્રાલયના નામનો ઉપયોગ કરાતો હતો. ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા લખેલી ગાડીમાં હેરાફેરી કરતા હતા.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, નકલી નોટો સાથે કેટલાક લોકો ગાડીમાં અમરાઇવાડી વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા છે. બાતમીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી. અમરાઇવાડી વિસ્તારમાંથી એક ફોર્ચ્યુનર કાર પસાર થઇ રહી હતી, ત્યારે તેને રોકીને તપાસ કરતાં કારમાં એક મહિલા સહિત છ લોકો સવાર હતા. આ તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. કારમાં તપાસ કરતાં રૂપિયા ૫૦૦ના દરની બનાવટી ચલણી નોટો મળી આવી હતી. જેની ગણતરી કરતાં આશરે ૨ કરોડ અને ૧૦ લાખની નકલી ચલણી નોટો મળી આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ચલણી નોટોના તાર સુરત સુધી લંબાયેલા છે. સુરતમાં પણ આ અંગે તપાસ કરવામાં આવી હતી. વરાછામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જ્યાંથી એક પ્રિન્ટર મશીન મળી આવ્યું હતું. સુરતમાંથી ૮૦ લાખની નકલી નોટો કબ્જે કરાઈ છે.

