Ahmedabadતા.૨૭
ધંધુકા તાલુકામાં જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ ઈવીએમ (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. હડાળા જિલ્લા પંચાયત વિસ્તાર હેઠળ મતદાન પૂર્ણ થયા બાદ ઈફસ્ને ખાનગી કારમાં લઈ જવાતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. આ મુદ્દે કોંગ્રેસ પક્ષે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે ઈવીએમની ચોરી કરવાનો પ્રયાસ થયો હતો. ઘટનાને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે અને સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દે ચર્ચાઓ તેજ બની ગઈ છે.
આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જે ધંધુકાના વખતપર ગામનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે મતદાન મથક પરથી ઈવીએમ સીલ થયા બાદ તેને એક ખાનગી કારમાં લઈ જવાઈ રહી છે. ખાસ વાત એ છે કે આ કાર પ્રિસાઈડિંગ ઓફિસરની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ દૃશ્યો સામે આવતા જ લોકોમાં શંકા અને ચર્ચાનો માહોલ ઉભો થયો હતો. કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોએ આ મામલે તાત્કાલિક વિરોધ નોંધાવ્યો અને યોગ્ય તપાસની માંગ કરી.
માહિતી અનુસાર આ ઘટનાની જાણ કોંગ્રેસના ઉમેદવારને આશરે ૪૦ મિનિટ બાદ થઈ હતી. જાણ થતાં જ તેમણે ચૂંટણી અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી અને આ મામલે સ્પષ્ટતા માંગવામાં આવી હતી. ઉમેદવારોએ આક્ષેપ કર્યો કે ઈવીએમને નિયમો મુજબ સુરક્ષિત વાહનમાં જ લઈ જવું જોઈએ. જ્યારે અહીં ખાનગી કારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે શંકાસ્પદ છે. આ કારણે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતાને લઈને પણ સવાલો ઉભા થયા છે.
આ વિવાદ વચ્ચે ચૂંટણી તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે અંતે તમામ ઈવીએમનું સીલ ચેક કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને નિયમ મુજબ સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રીતે રિસીવ કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ઈફસ્માં કોઈપણ પ્રકારની છેડછાડ કે ગરબડ નોંધાઈ નથી. તમામ પ્રક્રિયા નિયમો મુજબ પૂર્ણ કરવામાં આવી હોવાનું પણ જણાવાયું છે.
આ સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે પણ ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર ઈફસ્ ચોરી અથવા લૂંટ થવાની કોઈ ઘટના બની નથી. આક્ષેપો માત્ર અફવા હોવાનું પોલીસએ સ્પષ્ટ કર્યું છે. પોલીસએ લોકોને અફવાઓ પર વિશ્વાસ ન રાખવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમ છતાં આ ઘટના બાદ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા વધુ તેજ બની છે.

