Ahmedabad તા.૨૭
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. જ્યાં એક સગીરે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાની માહિતી મળી છે. મૃતકની ઓળખ પૃથ્વીસિંહ રાજપૂત તરીકે થઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ પૃથ્વીસિંહે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ ઘટનાએ વિસ્તારમાં શોકનું માહોલ ઉભું કર્યો છે. ખાસ વાત એ છે કે આત્મહત્યા કરતા પહેલા સગીરે એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેણે પોતાના આ પગલાં પાછળના કારણો વિશે ઉલ્લેખ કર્યો છે.
વીડિયોમાં પૃથ્વીસિંહે જણાવ્યું હતું કે એક બૂટલેગર દ્વારા તેને લાંબા સમયથી માનસિક રીતે ત્રાસ આપવામાં આવતો હતો. વીડિયોમાં “માનવ” નામના વ્યક્તિ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે કે તે સતત હેરાનગતિ અને દબાણ કરતો હતો. જેના કારણે સગીર માનસિક રીતે તૂટી ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસે વીડિયોને પણ પુરાવા તરીકે કબજે લઈને તેની તપાસ હાથ ધરી છે. ઉપરાંત આરોપી તરીકે નામ સામે આવેલા વ્યક્તિ અંગે પણ વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કેસની વિગતવાર તપાસ કરવામાં આવશે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના ફરી એકવાર સમાજમાં વધતા માનસિક દબાણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓના ખતરાને ઉજાગર કરે છે. સ્થાનિક લોકોએ પણ આ મામલે કડક પગલાં લેવા માટે માંગ ઉઠાવી છે.
સુરતના માંગરોળની પી.પી.સવાણી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. ધામરોડ ગામે આવેલી યુનિવર્સિટીની હોસ્ટેલમાં ૯ માં માળેથી વિદ્યાર્થીએ મોતની છલાંગ લગાવી હતી. મૂળ આંધ્રપ્રદેશના પવન પેન્ડલા નામના ૧૯ વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું હતું. વિદ્યાર્થીના આપઘાતનું કારણ હજુ અકબંધ છે. કોસંબા પોલીસે પરિવારને જાણ કરીને કાર્યવાહી આગળ વધારી છે.

