Botadતા.૨૧
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. બેલા અને ટીંબલા ગામ વચ્ચે આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયાનક હતી કે જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.
મળતી માહિતી મુજબ, ફેક્ટરીમાં કામકાજ ચાલતું હતું તે દરમિયાન અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી. ફટાકડાનો જથ્થો હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આગની સાથે જ ફેક્ટરીમાં મોટા ધડાકાઓ સંભળાયા હતા, જેના કારણે ફેક્ટરીના શેડ અને મશીનરીને ભારે નુકસાન થયું છે.
આ ભીષણ આગની લપેટમાં ઘટનાસ્થળે જ એક શ્રમિકે પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય ત્રણ શ્રમિકો ગંભીર રીતે દાઝી જવાથી તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે.
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા આ ફેક્ટરી પાસે જરૂરી પરવાના હતા કે નહીં અને આગ લાગવાનું ચોક્કસ કારણ શું છે, તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

