Porbandar, તા.23
પોરબંદરના ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક આવેદન પાઠવામાં આવ્યું છે જેમાં જી આઈ ડી સી રેલ્વે ફાટકને કાયમી રીતે બંધ કરવાની કાર્યવાહી અંગે પુનર્વિચાર કરવા રેલ્વે વિભાગમાં રજુઆત કરવામાં આવી હતી.
પોરબંદરના ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પોરબંદરના રેલ્વે મેનેજર મારફતે રેલ્વે વિભાગ દિલ્હી ખાતે આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે પોરબંદર ખાતે આવેલ GIDC રેલવે ફાટકને કાયમી રીતે બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી છે ત્યારે આસપાસના વિસ્તારોના રહેવાસીઓ, ઔદ્યોગિક કામદારો, વિદ્યાર્થીઓ અને ભક્તજનો મુશ્કેલી પડશે. આ રેલવે ક્રોસિંગ શહેર અને GIDC ઔદ્યોગિક વિસ્તાર વચ્ચેનો સૌથી મહત્વપૂર્ણ પ્રવેશ માર્ગોમાંથી એક છે.
અંદાજ મુજબ દરરોજ 50,000 થી વધુ લોકો આ ક્રોસિંગનો ઉપયોગ કરે છે, જેમાં કામદારો, વિદ્યાર્થીઓ, રહેવાસીઓ અને મુલાકાતીઓનો સમાવેશ થાય છે. તેમજ GIDC ઔદ્યોગિક વિસ્તારમાં આશરે 300 નાના અને મોટા ઉત્પાદન એકમો આવેલાં છે, જ્યાં હજારો કર્મચારીઓ રોજગાર માટે દરરોજ અવરજવર કરે છે. આ ક્રોસિંગ બંધ કરવામાં આવશે તો આ કામદારો માટે મુસાફરીનું અંતર અને સમય બંનેમાં નોંધપાત્ર વધારો થશે અને અનેક ઉદ્યોગોના કાર્ય પર પણ તેની અસર પડી શકે છે જેથી આ ફાટક બંધ કરવાની કાર્યવાહી અંગે ફરી વિચારણા કરવા માંગ કરી હતી.

