Gandhinagar,તા.૨૫
રાજ્યના વહીવટી તંત્રને વધુ આધુનિક અને નાગરિક-કેન્દ્રી બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારે ‘સુગમ ડિજિટલ ગુજરાત’ પહેલનો વિધિવત શુભારંભ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આ ક્રાંતિકારી યોજનાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશનના પાંચમા અહેવાલની ભલામણોને આધારે રાજ્યના ૫ મુખ્ય વિભાગોની ૨૦ હાઈ-ટ્રાન્ઝેક્શન સેવાઓનું ઓનલાઈન સરલીકરણ જાહેર કર્યું હતું. આ પહેલ દ્વારા આવક, જ્ઞાતિના દાખલા, રેશનકાર્ડ, સોગંદનામા જેવી પાયાની સેવાઓ હવે ‘ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ’ બનશે. નાગરિકોને ઘરે બેઠાં આ સેવાઓનો લાભ મળી શકે તે માટે સરકારે આ ડિજિટલ વ્યવસ્થા ઊભી કરી છે.
કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “આપણો મુખ્ય ઉદ્દેશ્ય એક જ હોવો જોઈએ કે પ્રજાજનોના કામ સરળ થાય. જેટલી સરળતાથી લોકોનું કામ થશે એટલો જ તંત્ર અને સરકારને વધુ સંતોષ મળશે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જ્યારે પ્રજાજનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ તમામ એક સ્તરે સાથે મળીને કામ કરે છે ત્યારે પરિણામ હંમેશા અદભૂત અને સચોટ આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૦૨માં ‘સ્વાગત ઓનલાઇન’ શરૂ કરીને ટેકનોલોજીના ઉપયોગને પ્રાથમિકતા આપી હતી. એ જ વિઝનને આગળ વધારતા આજે ગુજરાત સરકાર ૨૦ નવી સેવાઓ ‘લાઇન’માંથી ‘ઓનલાઇન’ કરી રહી છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ડિજિટલ પ્રક્રિયામાં નાગરિકોને ક્યાંય પણ મુશ્કેલી જણાય તો તેના નિવારણને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવે છે.
તેમણે ગ્રામીણ વિસ્તારોમાં તલાટી અને વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોરની ભૂમિકાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ સેવાઓ ઓનલાઇન કેવી રીતે મળે છે તેનો જેટલો પ્રચાર અને પ્રસાર કરવામાં આવશે, એટલો જ પ્રજાને અને તંત્રને ફાયદો થશે. તેમણે એમ પણ જણાવ્યું કે ડિજિટલ લોકરની શરૂઆત થઈ રહી છે, જેથી નાગરિકે દરેક નવી સેવા માટે ફરી-ફરીને એના એ જ પેપરો આપવા નહીં પડે.
વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ પ્રસંગે જણાવ્યું કે ડિજિટાઇઝેશન એ વર્તમાન ભારત, વર્તમાન ગુજરાત અને વર્તમાન નેતૃત્વની દેન છે. તેમણે ઉમેર્યું કે ભૂતકાળમાં દિલ્હીથી ૧ રૂપિયો મોકલવામાં આવે ત્યારે ૧૫-૧૬ પૈસા જ નાગરિકો સુધી પહોંચતા હતા, જ્યારે આજે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફત છેવાડાના નાગરિકને પૂરી સહાય મળી રહી છે. તેમણે જણાવ્યું કે કમોસમી વરસાદ બાદ ખેડૂતોના ખાતામાં એક ક્લિકથી અંદાજે ૧૧,૦૦૦ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા જ્યારે એમએસપી ખરીદીના ૧૫,૦૦૦ કરોડ રૂપિયા અને અન્ય ૨૬ હજાર કરોડ રૂપિયા પણ ડિજિટલ માધ્યમથી લાભાર્થીઓ સુધી પહોંચાડાયા હતા.
ગુજરાત સરકારના મુખ્ય સચિવ મનોજ દાસે જણાવ્યું કે વડાપ્રધાન અને મુખ્યમંત્રીનો આગ્રહ છે કે આવક, જ્ઞાતિ અને અન્ય પ્રમાણપત્રો માટે સરકારી કચેરીમાં લોકોની લાઈનો દૂર થવી જોઈએ. તેમણે જણાવ્યું કે ૮૦ લાખ લોકો દર વર્ષે લાઈનમાં ઊભા રહે તે યોગ્ય નથી. ‘સુગમ ડિજિટલ ગુજરાત’ હેઠળ લોકોને ફોન કે વોટ્સએપ પર સેવાઓ મળશે, જેમાં બારકોડ અને આધાર આધારિત ઓથેન્ટિકેશન હશે. આ સિસ્ટમ એવી રીતે વિકસાવવામાં આવી છે કે એક સાથે ૧૦ લાખ લોકો પોર્ટલ પર આવે તો પણ કોઈ તકનીકી સમસ્યા ન આવે.
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અંગે પણ નાગરિકોને સંબોધતા જણાવ્યું કે રાજ્યમાં ડીઝલ, પેટ્રોલ કે ગેસની કોઈ અછત નથી. બધું જ પૂરતા પ્રમાણમાં મળી રહ્યું છે અને આગામી સમયમાં પણ મળતું રહેશે. તેમણે નાગરિકોને અપીલ કરી કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના મંત્ર સાથે સરકાર વિકસિત ગુજરાત માટે કામ કરી રહી છે.
આ અવસરે સામાન્ય વહીવટ વિભાગ (તાલીમ)ના અગ્ર સચિવ હારિત શુક્લાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે મનોમંથન અને અભ્યાસ બાદ ટોચની ૨૦ સેવાઓ નાગરિકોની સુવિધા માટે કાર્યાન્વિત કરવામાં આવી છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા, મહેસુલના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, અન્ન અને નાગરિક પુરવઠાના અધિક મુખ્ય સચિવ મોના ખંધાર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, વિજ્ઞાન અને ટેકનોલોજી સચિવ પી. ભારતી સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીઓ, મામલતદારો અને તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

