Gandhinagar,તા.૨૬
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થયું છે, જેને લઈને રાજ્ય સરકાર તરફથી મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, આ સત્ર અનેક ઐતિહાસિક નિર્ણયોનું સાક્ષી બન્યું છે.
જીતુ વાઘાણીએ જણાવ્યું કે, કુલ ૨૩ દિવસ ચાલેલા આ સત્રમાં ૨૬ બેઠકો યોજાઈ, જેમાં રાજ્યના વિકાસ અને નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ ચર્ચાઓ અને નિર્ણયો લેવાયા.
આ સત્ર દરમિયાન નાણાંમંત્રીએ ઐતિહાસિક બજેટ રજૂ કર્યું, જેને ગૃહમાં મંજૂરી પણ મળી. સરકારનો દાવો છે કે આ બજેટ રાજ્યના નાગરિકોના જીવનસ્તર સુધારવા અને સુખાકારી વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.પ્રશ્નોત્તરી સત્ર પણ સક્રિય રહ્યું, જેમાં કુલ ૨૭૩ તારાંકિત પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા. આ દ્વારા વિવિધ મુદ્દાઓ પર સરકારને જવાબદાર બનાવવાનો પ્રયાસ થયો.
આ ઉપરાંત, ગૃહમાં કુલ ૯ જેટલા સુધારા વિધેયકો રજૂ કરીને પસાર કરવામાં આવ્યા. જેમાં ખાસ કરીને સમાન નાગરિક અધિકારો આપતું ેંઝ્રઝ્ર બિલ અને અશાંત ધારા સુધારા વિધેયક મહત્વપૂર્ણ રહ્યા. જીતુ વાઘાણીએ જણાવ્યું કે, આ તમામ કાયદા અને નિર્ણયો રાજ્યમાં શાંતિ, સમરસતા અને વિકાસને વધુ મજબૂત બનાવશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે સરકાર દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે રાજ્યની વિવિધ યોજનાઓનો લાભ નાગરિકોને ઝડપથી અને સરળતાથી મળે, તે માટે કામગીરી તેજ કરવામાં આવે.
આ રીતે ગુજરાત વિધાનસભાનું આ બજેટ સત્ર વિકાસ, કાયદાકીય સુધારા અને નાગરિક કલ્યાણના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો સાથે પૂર્ણ થયું છે.

