Mumbai ,તા.2
અત્યારે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે અભિનેતા વિકી કૌશલ અને ડાયરેક્ટર લક્ષ્મણ ઉતેકર ફરી એકવાર ઐતિહાસિક બાયોપિક માટે સાથે આવી શકે છે. 2025 ની `છાવા’ ની સફળતા બાદ, મેકર્સ હવે તેની સિક્વલ જેવું કંઈક પ્લાન કરી રહ્યાં છે.
આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે, “જ્યારે `છાવા’ ફિલ્મ સંભાજી મહારાજના જીવન પર આધારિત હતી, ત્યારે આ નવી ફિલ્મ તેમનાં પુત્ર શાહુ મહારાજનાં જીવન પર આધારિત હશે. વિકી કૌશલ પણ આ પ્રોજેક્ટ માટે લક્ષ્મણ ઉતેકર સાથે કામ કરવામાં રસ ધરાવે છે, જે હાલમાં પ્લાનિંગ સ્ટેજ પર છે.”
સૂત્રના જણાવ્યાં અનુસાર, આ ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષે અથવા 2028ની શરૂઆતમાં શરૂ થાય તેવી શક્યતા છે. અત્યારે લક્ષ્મણ ઉતેકર શ્રદ્ધા કપૂર સાથે ફિલ્મ `ઈથા’નું નિર્દેશન કરી રહ્યાં છે. આ પ્રોજેક્ટ પૂરો કર્યા પછી તેઓ શાહુ મહારાજ પરની ફિલ્મનું કામ શરૂ કરે તેવી આશા છે.
અત્યારે વિકી કૌશલ તેની આગામી ફિલ્મ `લવ એન્ડ વોર’ નું શૂટિંગ કરી રહ્યો છે. ત્યારબાદ તે ભગવાન પરશુરામના જીવન પર આધારિત પ્રોજેક્ટ `મહાવતાર’ નું શૂટિંગ શરૂ કરશે. ‘છાવા’ માં સંભાજી મહારાજ બન્યાં બાદ, હવે વિકી કૌશલ તેમનાં પુત્ર શાહુ મહારાજનું પાત્ર ભજવીને પડદા પર ઇતિહાસ ફરી જીવંત કરી શકે છે.

