Mumbai,તા.08
પોતાની શાનદાર એક્ટિંગ માટે જાણીતા વિજય વર્માની નવી વેબ સીરિઝ ‘મટકા કિંગ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જુગારના આ દેશી માધ્યમની વાર્તા પડદા પર ભાગ્યે જ જોવા મળી છે. હવે એમેઝોન પ્રાઇમ વિડિયોની આ સીરિઝમાં વિજય આ વાર્તા સાથે દમદાર અંદાજમાં જોવા મળી રહ્યો છે. ‘મટકા કિંગ’માં વિજયની સાથે કૃતિકા કામરા, ગિરીશ કુલકર્ણી, ગુલશન ગ્રોવર અને સિદ્ધાર્થ જાધવ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. 17 એપ્રિલના રોજ રિલીઝ થતાં પહેલા આજે તેનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે.
‘મટકા કિંગ’માં વિજય વર્માના પાત્રનું નામ બ્રિજ ભટ્ટી છે. ટ્રેલરમાં જોઈ શકાય છે કે એક સામાન્ય મજૂર તરીકે જીવન જીવતો બ્રિજ જિંદગીમાં કંઈક મોટું કરવા માંગે છે. પોતાના માલિક પાસે પોતાના જ પગાર માટે ભીખ માંગતું આ પાત્ર એક દિવસ નક્કી કરે છે કે તેને કંઈક મોટું કરવું છે. ટ્રેલરની શરૂઆતમાં જ કૃતિકા કામરાનું પાત્ર બ્રિજને ‘મટકા કિંગ’ કહીને બોલાવે છે. એક મજૂરથી મટકા કિંગ બનવાની સફરમાં વિજયનું કામ અને તેનો અંદાજ ખૂબ જ પ્રભાવશાળી લાગે છે. જો કે કહાનીમાં એવો જ વળાંક પણ છે જેવો ગુનાખોરીની દુનિયામાંથી નીકળેલા હીરો સાથે અવારનવાર બનતો હોય છે.’મટકા કિંગ’ની વાર્તા અને બ્રિજ ભટ્ટી નામ જોઈને ઘણા લોકોને રતન ખત્રીની યાદ આવી રહી છે. ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે કરાચીથી મુંબઈ આવેલા રતન ખત્રીને જ મટકાની રમત શરૂ કરવાનો શ્રેય આપવામાં આવે છે. જોકે આ સીરિઝ રતનના જીવન પર આધારિત હોવાનો દાવો કરતી નથી, પણ વાર્તા ઘણી મળતી આવે છે. જે કાયદો અને સિસ્ટમ આવા વિલન જેવા હીરોના ઉદયનું કારણ બને છે, તે જ તેમને તોડી પાડવા માટે પણ તત્પર રહે છે. આ માત્ર બ્રિજ ભટ્ટીની મહત્વાકાંક્ષાની વાર્તા નથી, પણ સાથે તેની પર્સનલ લાઈફ પણ વણાયેલી છે. મટકાના જોરે બ્રિજ તેની પત્ની સાથે ઘર અને ગાડી ખરીદતો દેખાય છે, પરંતુ ટ્રેલરમાં તે કૃતિકા કામરા સાથે પણ દિલનો દાવ લગાવતો જોવા મળે છે.આ સીરિઝનું નિર્દેશન નેશનલ એવોર્ડ વિજેતા ડાયરેક્ટર નાગરાજ મંજુલે દ્વારા કરવામાં આવ્યું છે. નાગરાજ મુંબઈ અને મહારાષ્ટ્રની વાર્તાઓ પર એવી પકડ ધરાવે છે કે તેમના દ્વારા સર્જાયેલી દુનિયા જ વાર્તાનો આત્મા બની જાય છે. વિજય વર્માની એક્ટિંગ, નાગરાજ મંજુલેનું નિર્દેશન અને મટકાની રસપ્રદ દુનિયા આ સીરિઝને એક ‘મસ્ટ વોચ’ શો બનાવે છે.

