Mumbai,તા.15
આશા ભોસલેની કારકિર્દીનું સૌથી યાદગાર અને વિવાદિત પ્રકરણ સિત્તેરના દાયકાનું સુપરહિટ ગીત ‘દમ મારો દમ’ રહ્યું હતું. વર્ષ 1971માં આવેલી દેવ આનંદની ફિલ્મ ‘હરે રામા હરે કૃષ્ણા’ના આ ગીતે દેશભરમાં ખળભળાટ મચાવી દીધો હતો.
આર. ડી. બર્મનના સંગીત અને આશાતાઈના અવાજે આ ગીતને રાતોરાત લોકપ્રિય બનાવ્યું હતું. જોકે, આ ગીતમાં હિપ્પી કલ્ચર અને ચિલમ સાથેના ડ્રગ્સના નશાના દ્રશ્યોને કારણે મોટો વિવાદ થયો હતો. નશાખોરીને પ્રોત્સાહન આપવાના આરોપસર ઓલ ઈન્ડિયા રેડિયોએ આ ગીત પર પ્રતિબંધ મૂક્યો હતો. એટલું જ નહીં, દૂરદર્શને પણ ફિલ્મ પ્રસારણ દરમિયાન આ ગીત કાપી નાખ્યું હતું.
જો કે નોંધવા જેવી વાત એ છે કે, ભારે વિરોધ અને પ્રતિબંધ છતાં આશા ભોસલેને આ જ ગીત માટે ‘બેસ્ટ પ્લેબેક સિંગર’નો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મનો ઉદ્દેશ્ય વાસ્તવમાં નશાની બદી પર કટાક્ષ કરવાનો હતો, પરંતુ તેના ગીતની રજૂઆત તે સમયે બોલ્ડ ગણાઈ હતી.
આજે પણ આ ગીત બોલિવૂડનું ક્લાસિક ગીત માનવામાં આવે છે અને તેના અનેક રિમિક્સ પણ બન્યા છે. આ ગીતે આશાજીને એક વર્સેટાઈલ ગાયિકા તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જે કોઈ પણ પ્રકારના ગીતને ન્યાય આપી શકતા હતા.

