મેકર્સ જુલાઈ સુધી શૂટિંગ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખી રહ્યા છે, જ્યારે ફિલ્મને ૨૦૨૭ની શરૂઆતમાં થિયેટરમાં રિલીઝ કરવાની યોજના છે
Mumbai,, તા.૧૫
‘સૈયારા’ની સફળતા બાદ, બ્રેકઆઉટ એક્ટર અહાન પાંડે પોતાની બીજી ફિલ્મમાં એકદમ અલગ અવતારમાં જોવા મળશે. આ અંગેના અહેવાલો મુજબ, અહાન પાંડે ફિલ્મમેકર અલી અબ્બાસ ઝફરની આગામી એક્શન-રોમાન્સ ફિલ્મમાં ગેંગસ્ટરનો રોલ ભજવશે.આ રોલ અહાનના ડેબ્યુ પરફોર્મન્સથી તેની ઇમેજમાં એક મોટું પરિવર્તન લાવી શકે છે, તેણે ‘સૈયારા’માં ભૂતકાળના ટ્રોમાથી ઝઝૂમતા એક સંગીતકારનું પાત્ર ભજવ્યું હતું. નવી ફિલ્મ માટે અહાને ભારે તૈયારી કરી હોવાનું કહેવાય છે, જેમાં હેન્ડ-ટુ-હેન્ડ લડાઈના ફાઇટિંગ સીન અને હથિયાર ટ્રેનિંગનો સમાવેશ થાય છે, જેથી પાત્રની આક્રમક સ્ક્રીન પ્રેઝન્સ સાથે તે સુસંગત બની શકે.આ અંગેના અહેવાલો અનુસાર, જિમ્મી શેરગિલ પણ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોડાયો છે. આ ફિલ્મ દ્વારા તે બે દાયકાથી વધુ સમય બાદ યશ રાજ ફિલ્મ્સ સાથે ફરી કામ કરશે. તેણે આ પહેલાં યશરાજ સાથે ‘મોહબ્બતેં’માં એક રોમેન્ટિક રોલ કર્યો હતો, જેમાં તે શાહરુખ ખાન અને પ્રિતી ઝીંગિયાની તેમજ અમિતાભ બચ્ચન સહિતના કલાકારો સાથે જોવા મળ્યો હતો.હાલમાં ફિલ્મની વાર્તા અને અન્ય કાસ્ટ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. જોકે, આ પ્રોજેક્ટને હાઈ-એનર્જી એક્શન-રોમાન્સ તરીકે વર્ણવવામાં આવી રહ્યો છે, જેમાં એક્શન અને વાયોલન્સ બેકગ્રાઉન્ડ સાથે એક પ્રેમકથા રજૂ કરવામાં આવશે.ફિલ્મનું શૂટિંગ ૩ એપ્રિલથી મુંબઈમાં શરૂ થયું છે અને આ મહિના દરમિયાન ત્યાં ચાલુ રહેશે. ત્યારબાદ મે મહિનામાં ફિલ્મનું આગળનું શૂટિંગ લંડનમાં થવાની શક્યતા છે. મેકર્સ જુલાઈ સુધી શૂટિંગ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખી રહ્યા છે, જ્યારે ફિલ્મને ૨૦૨૭ની શરૂઆતમાં થિયેટરમાં રિલીઝ કરવાની યોજના છે.

