Washington, તા.16
અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે, તેમની તરફથી સીઝફાયર લંબાવવા માટે કોઈ સત્તાવાર માંગ કરવામાં આવી નથી. ઈરાન સાથેની વાટાઘાટોનો આગામી રાઉન્ડ પણ પાકિસ્તાનમાં જ થઈ શકે છે. જણાવ્યા મુજબ, હાલમાં પાકિસ્તાન જ એકમાત્ર સત્તાવાર મધ્યસ્થ ભૂમિકા ભજવી રહ્યું છે.
વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે તે અહેવાલોને નકારી કાઢ્યા છે જેમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકા સીઝફાયર વધારવાની માંગ કરી રહ્યું છે. “આજે સવારે ખોટું રિપોર્ટિંગ થયું છે કે અમે સીઝફાયરના વિસ્તરણની માંગ કરી છે. હાલમાં આ વાત સાચી નથી.”
જોકે, તેમણે આશા વ્યક્ત કરી કે વાતચીત સાચી દિશામાં આગળ વધી રહી છે અને ટૂંક સમયમાં સમજૂતી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે દાવો કરવામાં આવ્યો છે કે હજુ પણ ઈરાન અને અમેરિકા વચ્ચે બે અઠવાડિયા માટે સીઝફાયર લંબાવવામાં આવી શકે છે.
લેવિટે વધુમાં જણાવ્યું કે ઈરાન માટે એ જ હિતાવહ રહેશે કે તે પ્રમુખ ટ્રમ્પની માંગણીઓ સ્વીકારી લે. ટ્રમ્પે પોતાની ‘રેડ લાઈન્સ’ સામેના પક્ષને બહુ સ્પષ્ટ રીતે સમજાવી દીધી છે. વાટાઘાટો ફરીથી ઈસ્લામાબાદમાં જ શરૂ થવાની પૂરેપૂરી શક્યતા છે.
મધ્યસ્થતાના પ્રયાસોમાં સામેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યારે ત્રણ મુખ્ય વિવાદિત મુદ્દાઓ પર કામ ચાલી રહ્યું છેઃ ઈરાનનો પરમાણુ કાર્યક્રમઃ પરમાણુ ગતિવિધિઓ પર નિયંત્રણ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝઃ સમુદ્રી માર્ગની સુરક્ષા અને અવરજવર. વળતરઃ યુદ્ધ દરમિયાન ઈરાનને થયેલા નુકસાનનું વળતર.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે વાટાઘાટોનો બીજો રાઉન્ડ આગામી બે દિવસમાં શરૂ થઈ શકે છે. અમેરિકા અને ઈરાન સૈદ્ધાંતિક રીતે સીઝફાયરને વધુ બે અઠવાડિયા લંબાવવા માટે સહમત થયા હોવાના અહેવાલો છે, જેથી રાજદ્વારી ઉકેલ માટે વધુ સમય મળી શકે.

