Bengaluru,તા.17
વિરાટ કોહલી મહાન ક્રિકેટર છે અને ભારતીય ક્રિકેટનું તેમ જ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂ (આરસીબી) ટીમનું બહુમૂલ્ય રત્ન છે, પરંતુ કહેવાય છે ને કે ક્યારેક મહાન પ્લેયરે પણ સંજોગોને ધ્યાનમાં રાખીને પોતાના નીતિ-નિયમ બદલવા પડતા હોય છે.
કિંગ કોહલીએ ગયા વર્ષે આરસીબીના કેમ્પમાં કહ્યું હતું કે `હું 100 ટકા ફિટ હોઈશ તો જ મેચમાં રમવા ઉતરીશ અને મને જો ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમવાની ફરજ પાડવામાં આવશે તો હું ક્રિકેટ રમવાનું જ છોડી દઈશ.’
બુધવારે લખનઊ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં કોહલીએ પોતાના બન્ને નિયમ તોડવા પડ્યા હતા. તે પૂર્ણપણે ફિટ નહોતો છતાં રમ્યો હતો અને ટીમ માટે ઉપયોગી 49 રન કર્યા હતા. બીજું, તે પહેલી જ વખત ઇમ્પેક્ટ લેયર તરીકે રમ્યો. બેટિંગ શરૂ થઈ ત્યારે કોહલીને સ્પિનર સુયશ શર્માના સ્થાને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાન પર મોકલવામાં આવ્યો હતો.
રોહિત શર્મા ઇમ્પેક્ટ પ્લેયરના નિયમનો વિરોધ કરી ચૂક્યો છે. જોકે તેણે આ વખતે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમવું પડ્યું છે. તેણે દિલ્હી સામે 35 રન કર્યા પછી તેના સ્થાને મયંક માર્કન્ડે રમ્યો હતો.
કોહલી બુધવારે પગની ઘૂંટીમાં ઈજા બાદ પૂરેપૂરો ફિટ ન હોવા છતાં રમ્યો હતો. ખુદ કોહલીએ આરસીબીની જીત બાદ કહ્યું, `હું હજી પણ 100 ટકા ફિટ નથી. પાછલી મેચમાં મને ઘૂંટણમાં દુખાવો હતો. ચાર-પાંચ દિવસથી હું શારીરિક રીતે સ્વસ્થ નથી.’
કોહલીએ ગયા વર્ષે જાહેરમાં નહોતું કહ્યું, પરંતુ તે આરસીબીના કેમ્પમાં જે બોલ્યો હતો એની વાત આરસીબીના જ એક ખેલાડીએ ઇન્ટરવ્યૂમાં કરી હતી. એ ખેલાડીએ વેબસાઇટને કોહલીનો અભિગમ વ્યક્ત કરતા કહેલું, `વિરાટભૈયાએ કહ્યું હતું કે જબ તક ક્રિકેટ ખેલૂંગા જબ તક મૈં પૂરા ફિટ હૂં. યે ઇમ્પેક્ટ પ્લેયર કી તરહ નહીં ખેલૂંગા. મૈં શેર કી તરહ ખેલૂંગા.’
કોહલીએ આરસીબીના આ સાથી ખેલાડીને એવું પણ કહેલું કે `હું પૂરી 20 ઓવર ફીલ્ડિંગ કરીશ અને પછી બેટિંગ કરીશ. જે દિવસે મારે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમવું પડશે એ દિવસે હું ક્રિકેટ રમવાનું જ છોડી દઈશ.’

