એક દિવસ ફરતાં ફરતાં નારદજી વિશાલાપુરીમાં જ્યાં સનત્કુમારો વિરાજતા હતા ત્યાં આવ્યા છે. નારદજીનું મુખ ઉદાસ જોઈને સનત્કુમારોએ નારદજીને તેમની ઉદાસીનું કારણ પૂછ્યું.સનકાદિક નારદજીને પૂછે છે કે આપ ચિંતામાં કેમ છો? તમે તો હરિદાસ છો.શ્રીકૃષ્ણના દાસ કદી ના હોય ઉદાસ.મારી કોઈ નિંદા કરે,મને કોઈ ગાળ આપે તે મારા કલ્યાણ માટે જે થાય છે તે મારા ભલા માટે થાય છે-એમ વૈષ્ણવો માને છે.વૈષ્ણવો સદા પ્રભુ ચરણમાં,પ્રભુના નામમાં રહે છે.વૈષ્ણવ સંસારમાં આવે તો તે ઉદાસ ન થાય.વૈષ્ણવ હંમેશા પ્રસન્ન રહે છે,ચિંતા ના કરે તે જ વૈષ્ણવ.વૈષ્ણવ તો પ્રભુનું ચિંતન કરે છે તેમ છતાં તમે પ્રસન્ન કેમ નથી? નારદજીએ કહ્યું કે હું મારી મને ચિંતા નથી,મારો દેશ દુઃખી છે.મારા દેશની મને ચિંતા થાય છે.કેટલાક સંતો લોક્ત્યાગી અને કેટલાક લોકસંગ્રહી હોય છે.નારદજીને સમાજમાં ભક્તિનો પ્રચાર કરવો છે. તે સમાજસુધારક સંત છે.જે દેશમાં મારો જન્મ થયો છે તેનું ઋણ મારા માથે છે.સત્ય-દયા-તપ-દાન રહ્યાં નથી.મનુષ્ય બોલે છે કંઇક અને કરે છે કંઇક ! વધુ શું કહું? જીવો માત્ર પેટભરા બની ગયા છે.અનેક તીર્થોમાં મેં ભ્રમણ કર્યું.સમાજમાં કોઈને શાંતિ નથી.જગતમાં મૂર્ખ,વિદ્વાન,શ્રીમાન,ગરીબ કોઈને શાંતિ નથી. આજે દેશ દુઃખી થયો છે.દેશ કેમ દુઃખી થયો છે? તેના અનેક કારણો નારદજીએ બતાવ્યા છે.
દેશ જ્યાં સુધી ધર્મ અને ઈશ્વરને ન માને ત્યાં સુધી સુખી થતો નથી.જેના જીવનમાં ધર્મને મુખ્ય સ્થાન નથી તેને જીવનમાં શાંતિ મળતી નથી.જગતમાં હવે ધર્મ રહ્યો નથી.જગતમાં હવે પાપ વધ્યું છે. સત્ય રહ્યું નથી.સત્ય વાણીમાં નહિ પોથીમાં જ રહ્યું છે.જગતમાં અસત્ય બહુ વધ્યું છે,અસત્ય સમાન બીજું કોઈ પાપ નથી.ઉપનિષદમાં લખ્યું છે કે અસત્ય બોલનારને પાપ તો લાગે છે જ પણ અસત્ય બોલનારના પુણ્યનો ક્ષય પણ થાય છે.ખરો આનંદ મળે તેવી ઈચ્છા હોય તો સત્યમાં ખુબ નિષ્ઠા રાખવી.અસત્ય બોલનાર સુખી થયો નથી અને થવાનો પણ નથી.આજથી નિશ્ચય કરો કે મારૂં ખોટું દેખાય,મને નુકશાન થાય પણ મારે સત્ય છોડવું નથી.સત્ય એ જ પરમાત્માનું સ્વરૂપ છે.
નારદજી કહે છે કે લોકો જુઠ્ઠું બહુ બોલે છે.લોકો એમ માને છે કે વ્યવહારમાં અસત્ય બોલવું જ પડે છે.વ્યવહારમાં જુઠ્ઠું બોલવું પડે તેવી માન્યતા અજ્ઞાન છે.લોકો માને છે કે પાપ કરીશું અને પછી મંદિરમાં રાજભોગ કરશું તો પાપ બળી જશે પણ એમ કંઈ પાપ બળતા નથી.ભગવાન આજે દયાળુ છે પણ સજા કરે ત્યારે દયાને દૂર બેસાડે છે.કાશીમાં હરિશ્ચંદ્રનો ઘાટ છે,ઘાટમાં કંઇ નથી પણ લોકો આ ઘાટને વંદન કરે છે.રાજાએ બધું વેચી નાખ્યું અને સત્યને રાખ્યું છે.ધન્ય છે રાજા હરિશ્ચંદ્રને..!
તમે મિતભાષી થશો તો સત્યભાષી થશો.કેટલાક એવું સમજે છે કે વ્યવહારમાં છળ-કપટ કરે,જુઠું બોલે તેને પૈસા મળે છે તે પણ ખોટું છે.પૈસા પ્રારબ્ધ પ્રમાણે મળે છે.સંતતિ-સંપત્તિ અને સંસારસુખ પ્રારબ્ધને આધીન છે.જેના પ્રારબ્ધમાં પૈસો નથી તે હજારવાર જુઠ્ઠું બોલે તો પણ તેને પૈસો મળતો નથી, ઉપરથી તેના પુણ્યનો નાશ થાય છે અને અશાંત બને છે.પૈસા માટે પ્રયત્ન કરો તે ખોટું નથી પણ પૈસા માટે પાપ કરવું તે ખરાબ છે.વ્યવહારમાં છળ-કપટ બહુ વધી ગયાં. એટલે વ્યવહાર શુદ્ધ નથી રહ્યો- *વ્યવહાર શુદ્ધ નથી એટલે મનને શાંતિ નથી.કલિયુગમાં સ્વચ્છતા દેખાય છે પણ જગતમાં ક્યાંય પવિત્રતા દેખાતી નથી.તમારી ઈચ્છા મુજબ શરીરને શુદ્ધ કરો એ સ્વચ્છતા છે પણ શાસ્ત્રના નિયમ પ્રમાણે આચરણ કરો તે પવિત્રતા છે.મનુષ્યો શરીર-કપડાંને સ્વચ્છ રાખે છે પણ મનને સ્વચ્છ રાખતા નથી.મનને ખુબ પવિત્ર રાખો કારણ કે મન તો મર્યા પછી પણ સાથે આવવાનું છે.
જગતમાં નીતિ દેખાતી નથી.ખુબ ભેગું કરવું અને કુમાર્ગે વાપરવું અને આ સિવાય પણ બીજું કોઈ સુખ છે તેનો કોઈ વિચાર સુધ્ધાં પણ કરતો નથી.મનુષ્ય લૌકિક આનંદમાં એવો ફસાયેલો છે કે સાચા આનંદનો વિચાર પણ તેને આવતો નથી.કુટુંબના,શરીરના,ઇન્દ્રિયોના એવા અસંખ્ય સુખોમાં મનુષ્ય એવો ફસાયો છે કે તે શાંતિથી વિચારી પણ શકતો નથી કે ખરો આનંદ ક્યાં છે? અને તે કેમ મળે? માનવજીવનમાં પૈસા ગૌણ છે,સંસારસુખ ગૌણ છે,પરમાત્મા મુખ્ય છે.જીવનમાં જ્યાં સુધી કોઈ લક્ષ્ય નક્કી કરશો નહિ ત્યાં સુધી પાપ અટકશે નહિ.જે લક્ષ્યમાં રાખે તેનાથી પાપ થાય નહિ પરંતુ મનુષ્યને પોતાના લક્ષ્યની ખબર નથી.મંદ બુદ્ધિવાળો તે જે કામ કરવાની જરૂર છે તે કરતો નથી.જગતમાં અન્નવિક્રય થવા લાગ્યો છે.અન્નવિક્રય અનેક રીતે થાય છે.મારા ઘરનું ખાનારો મારા માટે સારૂં બોલે,મને કાંઇક માન આપે તેવી ઈચ્છા પણ અન્નવિક્રય છે.જમાડનાર જમનારનો ઉપકાર માને,જમાડનાર જમનારને વંદન કરે એ ભારતીય સંસ્કૃતિ છે.ભારતમાં ઘી-દુધની નદીઓ વહેતી હતી ત્યાં અન્નનો દુકાળ પડે નહિ પણ અન્નનો વિક્રય થવા માંડ્યો એટલે ધરતીમાતા અન્ન ગળી ગયાં.ધરતીમાતા ધર્મ માટે અન્ન ઉત્પન્ન કરે છે.ધર્મનો વિનાશ થવા લાગ્યો એટલે ધરતીમાતા અન્ન-રસને ગળી ગયાં છે.જ્ઞાનનો પણ વિક્રય (વ્યાપાર) થવા માંડ્યો છે.બ્રાહ્મણ નિષ્કામભાવથી જગતને જ્ઞાનનું દાન કરે.અન્નદાન કરતાં પણ જ્ઞાનદાન શ્રેષ્ઠ છે. મનુષ્યની ભાવના બગડી છે ત્યારથી જીવન બગડવા લાગ્યું છે.જીવન ભોગ પ્રધાન થયું છે.
નારદજી કહે છે કે દુનિયામાં ક્યાંય મને શાંતિ જોવામાં આવી નહિ.કલિયુગના દોષ જોતાં ફરતાં ફરતાં તે વૃંદાવન ધામમાં આવ્યા.ત્યાં તેમણે એક કૌતુક જોયું.એક યુવતિ સ્ત્રી અને તેની પાસે બે વૃદ્ધ પુરૂષોને મૂર્છામાં પડેલા જોયા.તે સ્ત્રી ચારે તરફ જોતી હતી.મને થયું કે આ કોણ હશે? પણ વિના કારણે કોઈ સ્ત્રી સાથે બોલવું યોગ્ય નથી એમ માની હું આગળ ચાલ્યો.સનાતન ધર્મની મર્યાદા છે કે પુરૂષે કોઈપણ સ્ત્રીની સામે તાકીને જોવું નહિ,તેની સાથે વગર કારણે બોલવું નહિ.સાધુ પુરૂષે કોઈ સ્ત્રી પાસે ન જવું.તે સ્ત્રીએ મને કહ્યું કે હે સાધુ ઉભા રહો.બીજાનું કામ સાધો એટલે તમે સાધુ બનશો.પ્રાણના ભોગે પણ જે બીજાનું કામ સાધી આપે એ સાધુ છે.તે સ્ત્રીએ મને બોલાવ્યો એટલે હું તેની પાસે ગયો,તેણે મને કહ્યું કે હું તમારો વધારે સમય માગતી નથી.સંતોનો સમય બહુ કિંમતી હોય છે.સુવર્ણ કરતાં પણ સમયને કિંમતી ગણે તે સંત.જેને સમયની કિંમત નથી તે અંતકાળે બહુ પસ્તાય છે.કોઈની એક ક્ષણ પણ બગાડો નહિ.એને મને એક ક્ષણ ઉભા રહેવાનું કહ્યું.મને તેની દયા આવી એટલે મેં તેને પૂછ્યું કે દેવી ! તમે કોન છો? તે સ્ત્રીએ કહ્યું કે મારી કથા આપને સંભળાવું છું.મારૂં નામ ભક્તિ છે અને આ જ્ઞાન અને વૈરાગ્ય નામે મારા બે પુત્રો છે.તેઓ વૃદ્ધ થઇ ગયા છે.મારો જન્મ દ્રવિડ દેશમાં થયો,કર્ણાટકમાં મને પોષણ મળ્યું,હું વૃદ્ધિ પામી. (ભક્તિના મહાન આચાર્યો દ્રવિડ દેશ એટલે કે દક્ષિણ ભારતમાં થયા છે,જેવા કે રામાનુજાચાર્ય,મધ્વાચાર્ય, વલ્લભાચાર્ય.દક્ષિણ દેશ એ ભક્તિનો દેશ છે)
આચાર વિચાર શુદ્ધ હોય તો જ ભક્તિ થઇ શકે છે.સદાચાર વિના સદ્વિચાર આવશે નહિ.સદાચાર વગર સદવિચાર બુદ્ધિમાં ટકશે નહિ.સદાચાર એટલે શાસ્ત્ર-સંમત આચાર.શું કરવું કે શું ના કરવું તે મનને પુછશો નહિ પણ શાસ્ત્રને પૂછો.મન ખોટી સલાહ આપે છે.મન જીવને ખાડામાં નાખે છે.મન દગાખોર છે. તમારૂં અંતઃકરણ પ્રેરણા ના આપે તો શાસ્ત્રને પૂછો કોઈ સંતને પૂછો.સદવિચાર અને સદાચારનો સાથ હોય તો જ ભક્તિ પ્રબળ બને છે.કર્ણાટકમાં આજે પણ આચાર શુદ્ધિ જોવા મળે છે.વ્યાસજીને કર્ણાટક પ્રત્યે પક્ષપાત નહોતો પણ જે સાચું હતું તેનું વર્ણન કર્યું છે.કર્ણાટકમાં મધ્વાચાર્ય પંથના આચાર્યો છે.તેઓ નિર્જળા એકાદશી કરે છે.એકાદશી એટલે દિવાળી નહિ.મારી એક એક ઇન્દ્રિય મારે ભગવાનને અર્પણ કરવી છે તેવી ભાવના એકાદશીના દિવસે કરો.ભક્તિ કહે છે કે મહારાષ્ટ્રમાં કોઈ કોઈ જગ્યાએ મારૂં સન્માન થયું. ગુજરાતમાં મારા બે પુત્રો સાથે હું વૃદ્ધ થઇ.મહારાષ્ટ્રમાં ભક્તિને કોઈ કોઈ જગ્યાએ માન મળ્યું છે.પંઢરપુર જેવા સ્થળોમાં ભક્તિ જોવા મળે છે.પૈસાના દાસ પ્રભુના દાસ થઇ શકતા નથી.ગુજરાતમાં પ્રધાનપણે કાંચનનો (પૈસાનો)મોહ લાગ્યો છે.ભક્તિ તેથી છિન્ન ભિન્ન થઇ ગઈ છે.મનુષ્ય પોતાના મોજ શોખમાં કેટલું વાપરે છે તેનો હિસાબ રાખતો નથી પણ ઠાકોરજી માટે કેટલું વાપરે છે તેનો હિસાબ રાખે છે.કલિયુગમાં ભક્તિ છે પણ છિન્ન ભિન્ન થઇ ગઈ છે.ભક્તિનું એક એક અંગ છિન્ન ભિન્ન થયું છે.
ભક્તિના પ્રધાન નવ અંગ છે.પહેલું શ્રવણ છે.કેવળ કથા સાંભળવાથી ભક્તિ પૂર્ણ થતી નથી. સાંભળ્યું હોય તેનું મનન કરવું.મનન પછી નિદિધ્યાસન.મનન કરી જેટલું જીવનમાં ઉતાર્યું તેટલું ભાગવત સાંભળ્યું ગણાય.ભાગવત સાંભળવાથી પાપ બળે છે પરંતુ મનન કરવાથી અને જીવનમાં ઉતારવાથી મુક્તિ મળે છે.શ્રવણ-ભક્તિ છિન્ન ભિન્ન થઇ છે કારણ કે મનન રહ્યું નથી.મનન વગર શ્રવણ સફળ થતું નથી.કીર્તન ભક્તિ રહી નથી.જીવનમાં કીર્તિનો મોહ અને કંચનનો લોભ આવ્યો ત્યારથી કીર્તન-ભક્તિ બગડી છે.ભગવાન અતિ ઉદાર છે,તે નાસ્તિકનું પણ પોષણ કરે છે.જે ઈશ્વરમાં માનતા નથી તેવા નાસ્તિકનું પણ પોષણ જો તે કરતા હોય તો જે ભાગવત સેવા કરે છે,કીર્તન કરે છે તેનું પોષણ શું પરમાત્મા નહિ કરે? જ્ઞાની પુરૂષોને અપમાન કરતાં માન વધારે ખરાબ લાગે છે.ધનનો લોભ છુટવા કરતાં પણ કીર્તિનો મોહ છૂટવો કઠિન છે.કીર્તિનો મોહ જ્ઞાનીને પણ પજવે છે.જ્યાં સુધી તમે તમારા મનને સમજાવશો નહિ તે માનશે નહિ.કથા-કીર્તનમાં અનાયાસે જગત ભુલાય છે,મનુષ્ય જયારે સર્વ છોડી માળા લઈને બેસે ત્યારે જગત યાદ આવે છે.કથામાં બેસો ત્યારે સંસાર-વ્યવહારના વિચારો કાઢી નાખો.હું મારા શ્રીકૃષ્ણના ચરણમાં બેઠો છું એવી ભાવના કરો.કીર્તનભક્તિ નિષ્કામ હોવી જોઈએ.તુલસીદાસજીએ કહ્યું છે કે મારા સુખ માટે હું કથા કરૂં છું.બીજાને શું સુખ મળે છે તેની મને ખબર નથી પણ મારા મનને આનંદ મળે છે તેથી કથા કરૂં છું.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

