Pakistan,તા.૧૭
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના હરિપુર જિલ્લામાં એક ઔદ્યોગિક વિસ્તારમાં ગેસ પાઇપલાઇનમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો જેમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા હતા. આ ઘટના હરિપુર જિલ્લામાં હટ્ટર ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ગ્રાન્ડ ટ્રંક રોડ નજીક સ્થિત એક ફેક્ટરી નજીક બની હતી.
કહેવાય છે કે વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તરત જ એક વિશાળ આગ લાગી ગઈ જે આસપાસના વિસ્તારમાં ઝડપથી ફેલાઈ ગઈ. નજીકનું એક ઘર પણ આગમાં લપેટાઈ ગયું હતું, જેના કારણે નુકસાન વધુ વધ્યું અને બચાવ પ્રયાસો જટિલ બન્યા. પાકિસ્તાનની કટોકટી સેવા, રેસ્ક્યુ ૧૧૨૨ ના અધિકારીઓએ અહેવાલ આપ્યો કે અકસ્માતમાં આઠ લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. હરિપુર જિલ્લા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આગ ઝડપથી ફેલાતી હતી તે દરમિયાન ઓછામાં ઓછી ચાર મહિલાઓ અને છ બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે ઘણી મહિલાઓ અને બાળકોને ગંભીર રીતે દાઝી ગયા હતા, અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.હરિપુરના ડેપ્યુટી કમિશનર વસીમ અહેમદે જણાવ્યું હતું કે મોટાભાગના મૃત્યુનું મુખ્ય કારણ ગૂંગળામણ હોવાનું જણાય છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ઘાયલોને હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે અને સારવાર આપવામાં આવી રહી છે. ગેસ પાઇપલાઇન વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આસપાસના વિસ્તારોમાં તેનો અવાજ સંભળાયો.

