Gandhinagar, તા.20
રાજ્યના શિક્ષણ વિભાગે પરિણામ પત્રકની પદ્ધતિમાં મોટો ફેરફાર કર્યો છે. બાલવાટિકાથી માંડીને ધોરણ 1-2ના વિદ્યાર્થીઓને હાલમાં અપાતી માર્કશીટને બદલે હોલિસ્ટિક પ્રોગે્રસ કાર્ડ આપશે. ઉપરાંત જે વિદ્યાર્થીઓ ધોરણ 3થી 8માં અભ્યાસ કરે છે. તેમનું પરિણામ રાજ્ય કક્ષાએ ઓનલાઈન તૈયાર થશે. જે શાળાઓ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીને આપશે.
ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા બાલવાટિકાથી માંડીને ધો.1થી 8 સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર્કશીટ આપવાની પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે.
રાજ્ય સરકારના નવા નિયમ મુજબ, ધોરણ 1થી 2 અને બાલવાટિકાના વિદ્યાર્થીઓને પરિણામ પત્રકની જગ્યાએ હોલિસ્ટિક પ્રોગે્રસ કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડમાં વિદ્યાર્થીઓના ગુણ જ નહી પણ શૈક્ષણિક પદ્ધતિ,વર્તન, સર્વાંગી વિકાસનો સમાવેશ કરવામાં આવશે.
શાળાઓએ વિષયોની પરીક્ષા પત્યા બાદ વિદ્યાર્થીઓના ગુણ ઓનલાઈન અપલોડ કરવા પડશે. ધો. 3થી 8ના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ સ્ટેટ લેવલ પર ઓનલાઈન તૈયાર કરવામાં આવશે. જે બાદ રાજ્ય કક્ષાએ તૈયાર કરાયેલા ગુણ પત્રકો શાળાઓ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને આપશે.
કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ હેઠળની પરખ સંસ્થાએ 360 ડિગ્રી મૂલ્યાંકન માટે નવું માળખું બનાવ્યું છે. જેના પગલે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સર્વાંગી ગુણ પત્રક તૈયાર કરાયું છે.
આ પત્રકમાં વિદ્યાર્થીઓના ભાવનાત્મક, બોધાત્મક અને માનસિક વિકાસની વિગતાનુસાર માહિતીની નોંધ લેવાશે. મૂલ્યાંકનમાં શિક્ષક, વાલી, સહપાઠી તેમજ વિદ્યાર્થી પોતે પણ શામેલ થશે. જેને પગલે વિદ્યાર્થીઓમાં સુધારો અને શક્તિઓની જરૂરિયાત સ્પષ્ટ થશે.

