New Delhi, તા.20
અજીત અગરકરને તેમના સારા પ્રદર્શન બદલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ સિનિયર પસંદગી સમિતિના અધ્યક્ષ રહેશે. BCCIએ તેમને 2027ના ODI વર્લ્ડ કપ પર નજર રાખીને વધુ એક વર્ષનો કરાર આપવાનો નિર્ણય લીધો છે.
અગરકરના નેતૃત્વમાં ઓક્ટોબર 2023થી માર્ચ 2026 દરમિયાન પસંદ થયેલી ભારતીય ટીમ ચાર ICC ટુર્નામેન્ટના ફાઇનલમાં પહોંચી હતી, જેમાંથી ત્રણમાં ટીમે ખિતાબ જીત્યો હતો. આ સમયગાળામાં ભારતે બે વખત T-20 વર્લ્ડ કપ અને એક વખત ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં સફળતા મેળવી હતી.
તેથી તેમના કરારને ચોથા વર્ષ માટે આગળ વધારવાનું લગભગ નક્કી માનવામાં આવતું હતું. BCCI ના સૂત્રએ જણાવ્યું હતું કે, `અગરકરે એક્સટેન્શન માંગ્યું ન હતું. પસંદગીકાર જુનિયર અથવા સિનિયર પસંદગી સમિતિમાં ચાર વર્ષ અને બંને સમિતિઓમાં કુલ 5 વર્ષ સેવા આપી શકે છે. તેથી, અજિતને એક નવો કરાર આપવામાં આવ્યો છે, એક્સટેન્શન નહીં.’
અગરકરની નજીકના સૂત્રો હંમેશા કહે છે કે, તેઓ કરાર લંબાવવાની માંગ કરવા કરતાં નિર્ણય લેનારાઓને તેમની સમિતિના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા દેવાનું પસંદ કરે છે. 50 ઓવરના વર્લ્ડ કપ પહેલા સાતત્ય જાળવી રાખવું એ બોર્ડના આ નિર્ણય પાછળનું એક મુખ્ય કારણ છે. વર્લ્ડ કપ આવતા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાશે.
તેના કાર્યકાળ દરમિયાન, સમિતિએ ઘણા કઠિન નિર્ણયો લીધા છે, જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પ્રક્રિયાની દેખરેખ રાખવાનો સમાવેશ થાય છે.
સમિતિના કેટલાક નિર્ણયો
– સિનિયર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ધીમે ધીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર કરવામાં આવશે.
– ટેસ્ટ અને ODI કેપ્ટન શુભમન ગિલને T20 વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરવામાં આવશે.
– ઇન-ફોર્મ વિકેટકીપર-બેટ્સમેન ઇશાન કિશનને ગિલની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવશે.

