Morbi, તા.21
મોરબીના સામાકાંઠે મહેન્દ્રસિંહજી હોસ્પિટલ પાસે આવેલ આઠ ઓરડી ખાતે રહેતા અશોકભાઈ મેરૂભાઈ માંડવીયા (કોળી) એ પોતાનો પુત્ર દશરથ અશોકભાઈ માંડવીયા તા.5-4 ના રોજ ઘરેથી કહ્યા વિના નીકળી ગયો હોય તે બાબતની પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા નોંધ કરાવી હતી.
જેની તપાસમાં સામે આવ્યું હતું કે હાલમાં કારખાના બંધ હોય કામ મળતું ન હોય અને મિત્રો પાસેથી પૈસા ઉછીના લીધેલા હોય તે પૈસા પરત આપવાના હોય તે વાતના ટેન્શનમાં તે કોઇને કહ્યા વગર ચોટીલા ચાલ્યો ગયો હતો.અને પોલીસમાં જાણ કરવામાં આવી હોવાની તેને જાણ થતા દશરથ કોળી ઘરે પરત ફર્યો હતો અને પોલીસમાં આવીને ઉપરોક્ત નિવેદન આપ્યું હતું.તેમ તપાસ અધિકારી એ.એમ. ઝાપડિયા પાસેથી જાણવા મળેલ છે.
યુવાન સારવારમાં
સામાકાંઠે કુબેર ટોકીઝ પાછળ આવેલ ધાર વિસ્તારમાં હનુમાન મંદિર પાસે રહેતા નવઘણભાઈ સોમાભાઈ વાઘેલા નામનો 24 વર્ષનો યુવાનને નીલકંઠ એન્જિનિયરિંગમાં કલર કામ દરમિયાન ઇલેક્ટ્રીક શોટ લાગતા તેને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.
હુમલા કેસમાં કાર્યવાહી
મોરબીના વીસીપરા વિસ્તારમાં યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.આ બનાવ સંદર્ભે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.જે ગુના હેઠળ બી ડિવિઝન પોલીસ દ્વારા જાવેદ ઈકબાલ મોવર મિંયાણા (20) રહે.રણછોડનગર શાંતિવન સરકારી પ્રાથમિક શાળા પાસે વીસીપરા મોરબી ની ધોરણસર અટકાયત કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી.
જ્યારે રંગપર ગામ ખાતે રહેતા નિલેશભાઈ પ્રવીણભાઈ ભટ્ટ નામના 32 વર્ષના યુવાને એસિડ પી લેતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના વિજયભાઈ મિયાત્રા દ્વારા તપાસ કરવામાં આવી હતી.
વાહન અકસ્માત
સામાકાંઠે આવેલ જવાહર સોસાયટી વિસ્તારમાં રહેતા સવજીભાઈ ભીમજીભાઇ બોસિયા (50) તથા રામજીભાઈ કાનજીભાઈ મુછડીયા ડબલ સવારીમાં બાઈકમાં જતા હતા ત્યારે કાર ચાલકે તેઓને હડફેટે લેતા ઈજા પામ્યા હોય બંનેને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઇ ચૌહાણ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

