વિનોદભાઇ માછી નિરંકારી
‘લક્ષ્મણ–ગીતા’ એ હિન્દુ ધર્મમાં ભગવાન શ્રીરામના નાનાભાઇ લક્ષ્મણના આધ્યાત્મિક અને ભક્તિ પૂર્ણ ઉપદેશોનો સંગ્રહ છે. લક્ષ્મણ–ગીતા મુખ્યત્વે શ્રી રામચરિતમાનસ પર આધારિત છે અને તે ભક્તિ-કર્મ અને આદર્શ ભાઈ કે સેવકના સિદ્ધાંતો સમજાવે છે. જ્યારે ભગવાન રામ વનવાસમાં હતા અને નિષાદરાજ ગુહ સાથે સંવાદ થયો હતો ત્યારે લક્ષ્મણજીએ તેમને જે અમૂલ્ય ઉપદેશ આપ્યો હતો તે ‘લક્ષ્મણ-ગીતા‘ તરીકે ઓળખાય છે. લક્ષ્મણ–ગીતામાં કર્મ અને ભક્તિના સિદ્ધાંતોનું વિગતવાર નિરૂપણ કરવામાં આવ્યું.
કૈકયીએ ભગવાન શ્રીરામને વનવાસ આપ્યો તે સમયે માતા કૌશલ્યાને ઘણું જ દુઃખ થાય છે તે સમયે શ્રીરામે માતાને સમજાવતાં કહ્યું કે ર્માં આ મારા કર્મનું ફળ છે. મેં પૂર્વજન્મમાં માતા કૈકયીને દુઃખ આપ્યું હતું તેના ફળસ્વરૂપે મને વનવાસ મળ્યો છે. મેં પરશુરામ અવતારમાં જે કંઇ કર્યું તેનું ફળ રામાવતારમાં મારે ભોગવવાનું છે. શ્રીરામ માતા કૌશલ્યાને કહે છે કે મેં પૂર્વજન્મમાં ર્માં ને દુઃખ આપ્યું હતું એટલે આ જન્મમાં કૈકયી ર્માં એ મને દુઃખ આપ્યું છે.
પૂર્વજન્મમાં માતા કૈકેયી જમદગ્નિ ઋષિનાં પત્ની રેણુકા હતાં અને ભગવાન પરશુરામનાં માતા હતાં. એકવાર રેણુકા સ્નાન કરવા ગયાં તે સમયે ચિત્રરથ અને ચિત્રાંગદ આ બંન્ને ગંધર્વો પોતાની પત્નીઓ સાથે જલક્રીડા કરતાં હતાં, તેમની ક્રીડા જોઈને રેણુકાના મનમાં વિચાર આવ્યો કે આ ગંધર્વ-કન્યાઓને જેવું સુખ મળી રહ્યું તેવું સુખ મને મળ્યું નથી, પરપુરૂષનો વિહાર જોઇને રેણુકાના મનમાં કામવાસનાની અસર થઈ તેથી તે ઘેર આવીને શારીરીક સુખ માટે પ્રાર્થના કરે છે જે સાંભળીને ઋષિ ગુસ્સે થાય છે. બ્રાહ્મણની પત્ની અને તારા મનમાં આવા કામુક વિચાર ! એક પછી એક તેમણે પોતાના પુત્રોને કહ્યું કે તમારી ર્મા પાપી છે તેમનો શિરચ્છેદ કરી દો. કોઈએ આજ્ઞા પાળી નહિ તેથી તેમને પાષાણતુલ્ય જડ કરી દીધા, છેવટ પરશુરામે પિતાની આજ્ઞાનું પાલન કરી પોતાની માતા રેણુકાનું માથું પોતાના ફરસાથી કાપી નાખ્યું. જમગગ્નિએ પ્રસન્ન થઈ વરદાન માગવાનું કહેતાં પરશુરામે પોતાની માતાને સજીવન કરવા અને માતા રેણુકાના અંતઃકરણમાં મારા માટે દ્વેષ ન રહે અને પોતાના ભાઈઓને જેવા હતા તેવા કરી દેવાનું વરદાન માંગ્યું. જમદગ્નિએ તપ સાર્મથ્યથી રેણુકાને સજીવન કરી ત્યારબાદ તેમને ક્રોધનો સદંતર ત્યાગ કર્યો.
શ્રૃંગવેરપુરના રાજા નિષાદરાજ ગુહને જ્યારે રામચંદ્રજીના આવવાની જાણ થઇ ત્યારે તે આનંદ પામ્યો અને પોતાના પ્રિય બંધુઓને બોલાવીને ભેટ કરવા ફળફુલોના ટોપલા ભરાવીને હ્રદયમાં અપાર આનંદ સાથે મળવા ચાલ્યો, તે સમયે ભગવાન શ્રીરામ-સીતા અને લક્ષ્મણ શ્રૃંગવેરપુરમાં ગંગા કિનારે એક શિશમના વૃક્ષના નીચે વિશ્રામ કરી રહ્યા હતા, ગુહે શ્રીરામની પાસે જઇને દંડવત્ પ્રણામ કરી સંમુખ ભેટો ધરી અને તે અત્યંત પ્રેમપૂર્વક શ્રીરામને નિરખવા લાગ્યો. સ્વાભાવિક સ્નેહને વશ થયેલા એવા રામચંદ્રજી ગુહને પોતાની સમીપ બેસાડીને ક્ષેમકુશળતાના સમાચાર પુછવા લાગ્યા.
પછી ગુહે કહ્યું કે હે નાથ ! આપના ચરણારવિંદનાં દર્શન થયાં એને જ સર્વ પ્રકારનું કુશળ સમજું છું. આજે તો હું ભાગ્યશાળી થયો છું અને ભક્તજનોની યાદીમાં આવ્યો છું. પૃથ્વી-ધન તથા ઘર એ તમામ આપનાં જ છે. મારા પરીવાર સહિત હું તો આપનો દાસ છું. કૃપા કરી શ્રૃંગવેરપુર પધારો, હું આપનો સેવક છું અને આ મારૂં રાજ્ય આપના શ્રીચરણોમાં અર્પણ કરૂં છું. મને આપનો સેવક માનીને તેનો સ્વીકાર કરો જેથી નગરના સર્વે લોકો રાજી થાય. શ્રીરામે કહ્યું કે હે મિત્ર ! તમે જે કહ્યું તે બધું સાચું છે પણ મારા પિતાએ મને બીજી રીતની આજ્ઞા આપી છે. મને ચૌદ વર્ષ સુધી મુનિવ્રતથી મુનિવેશે ફળફુલ, મૂળ વગેરેનો આહાર કરી વનમાં રહેવાની આજ્ઞા આપી છે માટે નગરમાં વાસ કરી શકું નહી. આ વાત સાંભળીને ગુહને ભારે દુઃખ થયું.
શ્રીરામ-સીતા અને લક્ષ્મણે તે દિવસે નિરાહાર વ્રત કર્યું. રાત્રે દર્ભની પથારીમાં સીતા-રામે શયન કર્યું. લક્ષ્મણજી ધનુષ્ય-બાણ લઇને પહરેદારી કરતા રહ્યા. શ્રી સીતા-રામને દર્ભની પથારીમાં સૂતેલા જોઇને ગુહને ઘણું જ દુઃખ થયું, સજળ નેત્રે લક્ષ્મણજી પાસે આવીને કહે છે કે શ્રીરામ જેના પતિ છે એવાં સીતાજી ધરતી ઉપર પોઢ્યાં છે. અહો ! જગતમાં વિધાતા જેને પ્રતિકૂળ ન થાય એવો કોન છે? લોકો સત્ય જ કહે છે કે સર્વ કરતાં પ્રારબ્ધ જ મુખ્ય છે. ગુહે કૈકયીની નિંદા કરતાં કહ્યું કે..
મંદ બુદ્ધિવાળી કૈકયીએ કઠિન અને કુટિલ હઠ પકડી અને સીતા-રામને સુખના સમયમાં દુઃખ દીધું છે. કૈકયી સૂર્યવંશરૂપી વૃક્ષને કાપનારી કુહાડી બની છે. તેણે પોતાની કુમતિથી તમામ જગતને દુઃખી કર્યું છે.તે સમયે લક્ષ્મણજીએ ગુહને જે ઉપદેશ આપ્યો તે ‘લક્ષ્મણ-ગીતા’ કે ‘લક્ષ્મણ-નિષાદરાજ ગુહ સંવાદ’ કહેવાય છે. લક્ષ્મણજીએ જ્ઞાન-વૈરાગ્ય અને ભક્તિભરી મીઠી વાણીમાં કહ્યું કે..
બોલે લખન મધુર મૃદુ બાની, ગ્યાન બિરાગ ભગતિ રસ સાની
કાહુ ન કોઉ સુખ દુઃખ કર દાતા, નિજ કૃત કરમ લોગ સબુ ભ્રાતા
જ્ઞાન-વૈરાગ્ય તથા ભક્તિરસથી તરબોળ કોમળ, મધુરવાણીથી લક્ષ્મણજી બોલ્યા કે..હે ભાઇ ગૃહ ! આ જગતમાં કોઇ કોઇને સુખ કે દુઃખ આ૫તું નથી. જગતમાં સર્વ લોકો પોતપોતાના કરેલા કર્મોનું જ ફળ ભોગવતાં હોય છે. ફલાણાએ મને સુખી કર્યો અને બીજા માણસે મને દુઃખી કર્યો એ તો મારી અને તમારી ભ્રાંતિ છે. મને હું જ સુખી કરૂં અને મને હું જ દુઃખી કરી શકું. બીજો કોઇ આપણને દુઃખી ન કરી શકે. આપણે ભ્રાંતિના લીધે બીજા ઉપર આરોપ કરીએ છીએ કે ફલાણાએ મને દુઃખી કર્યો. બાકી એ તો પોતાનાં કરેલાં કર્મોનું ફળ છે.(અયોધ્યાકાંડઃ૯૧/૨)
સંયોગ-વિયોગ, ભોગ, સારૂં-ખોટું, હિત-અહિત અને મધ્યમ સ્થિતિ-એ સઘળું ભ્રાંતિના ફંદારૂપ જ છે. સઘળા જગતરૂપી જાળમાં જે કાંઇ જન્મ-મરણ, સંપત્તિ-વિપત્તિ, કર્મ, ફળ અને કાળ છે.
પૃથ્વી, ઘર, ધન, પુર, પરીવાર, સ્વર્ગ-નરક અને સઘળો વ્યવહાર જે જોવામાં, સાંભળવામાં કે જાણવામાં આવે છે તે તથા સઘળું જગત પણ માયાની જ બનાવટ છે,વાસ્તવિક નથી.
જેમ સ્વપ્નમાં રાજા ભિખારી થઇ જાય અને રાંક ઇન્દ્ર બની જાય છે પણ જાગ્યા પછી તેને કશો લાભ કે કશી હાની થતી નથી એટલે કે જેમ સ્વપ્નનો પ્રપંચ પણ મિથ્યા છે એમ વિચાર કરવો. રાત્રિનું સ્વપ્ન નાનું છે અને સંસારનું સ્વપ્નું જરા મોટું હોય છે. રાત્રિનું સ્વપ્ન ક્ષણિક હોય છે અને સંસારનું સ્વપ્ન કોઇનું પચાસ વર્ષનું, કોઇનું પંચોત્તેર વર્ષનું, કોઇનું સો વર્ષનું હોય છે. સ્વપ્નમાં જે સુખ-દુઃખ મળે છે તે આંખ ખુલે ત્યારે પુરાં થાય છે. સ્વપ્નમાં આપણી ઉપર દુઃખ પડે તો એ ક્યારે પુરૂં થાય? જ્યારે આપણે જાગી જઇએ અને સંસારના સ્વપ્નનાં સુખ-દુઃખ ક્યારે પુરાં થાય? જ્યારે આંખ બંધ થઇ જાય ત્યારે..એકમાં આંખ ખુલે ત્યારે પુરૂં થાય છે બીજામાં આંખ સદાયના માટે બંધ થાય ત્યારે પુરૂં થાય છે. આ તો મોહની રાત્રિ છે એમાં આખું જગત સુતું છે. રામતત્વને જાણીને ભગવત્સુમિરણ કરતાં જ્યારે આપણે જાગી જઇએ છીએ ત્યારે સંસારની કોઇ વિપત્તિ વિપત્તિ લાગતી નથી. સંસારની કોઇ સંપત્તિ સંપત્તિ લાગતી નથી. ગુહ પુછે છે કે તો પછી જાગ્યા ક્યારે કહેવાઇએ? તો રામાયણ કહે છે કે..
જાનિય તબહિ જીવ જગા જાગા,તબ સબ બિષય બિલાસ બિરાગા..
આપણને સંસારના પદાર્થોમાંથી ધીરે ધીરે એની મેળે વૈરાગ્ય આવવા માંડે ત્યારે સમજવું કે જીવ જાગવા માંડ્યો છે. આમાં કોઇને પુછવાની જરૂર રહેતી નથી. અમુક સમય સુધી આપણને અમુક વસ્તુ-વ્યક્તિ બહુ વ્હાલી હોય, અમુક અવસ્થા થાય એટલે એ વસ્તુ-વ્યક્તિ છુટવા માંડે, એમ એની મેળાએ જ્યારે સંસારના પદાર્થોમાં વૈરાગ્ય આવવા લાગે ત્યારે જાણવાનું કે હવે મારી જાગૃત્તિનો આરંભ થયો છે. આ બધુ મોહનું મૂળ છે.
અધ્યાત્મ રામાયણ’માં પણ લક્ષ્મણજીએ નિષાદરાજ ગુહને આ જ ઉપદેશ આપ્યો છે..
સુખસ્ય દુઃખસ્ય ન કોऽપિ દાતા,પરો દદાતીતિ કુબુદ્ધિરેષાઃ
અહં કરોમીતિ વૃથાભિમાનઃ સ્વકર્મસૂત્રગ્રથિતો હિ લોકઃ
‘મનુષ્યને સુખ-દુઃખને આપનાર આ જગતમાં બીજો કોઇ નથી. બીજો મને સુખ-દુઃખ આપે છે-આવું સમજવું કુબુદ્ધિ છે, ભ્રમ છે તેનાથી બીજાઓના પ્રત્યે રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે. મનુષ્યને સુખ-દુઃખ આપનાર તેનાં કર્મ છે એટલે જ્ઞાનીલોકો કોઇને દોષ આપતા નથી. હું કરૂં છું-આ વૃથા અભિમાન છે.તમામ લોકો પોતપોતાના કર્મોની દોરીથી બંધાયેલા છે.’(અધ્યાત્મરામાયણઃ ૨/૬/૬)
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

