વિનોદભાઇ માછી નિરંકારી
હવે જુદા-જુદા યજ્ઞો બતાવતાં ભગવાને શ્ર્લોક(૪/૨૫)માં કહ્યું છે કે..
દૈવમેવાપરે યજ્ઞં યોગિનઃ પર્યુપાસતે
બ્રહ્માગ્નાવપરે યજ્ઞં યજ્ઞેનૈવોપજુહ્વતિ
(અપરે-બીજા, યોગિનઃ-યોગીજનો, દૈવમ્-દૈવ ભગવદર્પણ રૂપી, યજ્ઞમ્-યજ્ઞનું, એવ-જ, પર્યુપાસતે-અનુષ્ઠાન કરે છે અને, અપરે-અન્ય યોગીજનો, બ્રહ્માગ્નૌ-બ્રહ્મરૂપ અગ્નિમાં, યજ્ઞેન-વિચારરૂપી યજ્ઞ દ્વારા, એવ-જ, યજ્ઞમ્-જીવાત્મારૂપી યજ્ઞનો, ઉપજુહ્વતિ-હોમ કરે છે.)
બીજા યોગીજનો દૈવ ભગવદર્પણ રૂપી યજ્ઞનું જ અનુષ્ઠાન કરે છે અને અન્ય યોગીજનો બ્રહ્મરૂપ અગ્નિમાં વિચારરૂપી યજ્ઞ દ્વારા જ જીવાત્મારૂપી યજ્ઞનો હોમ કરે છે.
અગાઉના શ્ર્લોકમાં ભગવાને સર્વત્ર બ્રહ્મદર્શનરૂપ યજ્ઞ કરવાવાળા સાધકનું વર્ણન કર્યું છે. અહી તેનાથી ભિન્ન પ્રકારના યજ્ઞો કરવાવાળા સાધકોનું વર્ણન કરે છે. અહી ‘યોગિનઃ’ પદ યજ્ઞને માટે કર્મ કરવાવાળા નિષ્કામ સાધકોને માટે આવ્યું છે. તમામ ક્રિયાઓ અને પદાર્થોને પોતાના અને પોતાને માટેના ન માનીને તેમને ફક્ત ભગવાનના અને ભગવાન માટેના જ માનવા એ ‘દૈવયજ્ઞ’ એટલે કે ભગવદર્પણરૂપી યજ્ઞ છે. ભગવાન દેવોના પણ દેવ છે એટલા માટે બધુંય એમને અર્પણ કરી દેવાને જ અહી ‘દૈવયજ્ઞ’ કહેવામાં આવ્યો છે. કોઇપણ ક્રિયા અને પદાર્થમાં સહેજપણ આસક્તિ-મમતા અને કામના ન રાખીને તેમને સર્વથા ભગવાનનાં માનવાં એને જ દૈવયજ્ઞનું સારી રીતે અનુષ્ઠાન કરવું કહેવાય.
કેટલાક યાજકો દેવોને પ્રસન્ન કરવા હોમ કરતા હોય છે તો કેટલાક બ્રહ્માગ્નિમાં યજ્ઞના દ્વારા યજ્ઞનો હોમ કરતા હોય છે. બહુ પ્રાચિનકાળમાં પુરા વિશ્વમાં દેવોને ઉપાસના કરવામાં આવતી હતી. દેવોની સંખ્યા ઘણી હતી કારણ કે પ્રત્યેક કાર્ય કરનારો એક અલગ દેવ હતો. આ જુદાં-જુદાં દેવ-દેવીઓને પ્રસન્ન કરવા જુદા જુદા ઉપાયો કરવામાં આવતા હતા. ઘણા લોકો પશુબલિ આપીને દેવોને રાજી કરતા હતા. આજે પણ ઘણી જુની જાતિઓ આ રીતે પોતાના દેવોને પ્રસન્ન કરે છે. આપણે ત્યાં તેમાં સુધારો થયો અને જવ-તલ-ધૃત વગેરે ઔષધિય દ્વવ્યો હોમીને અને છેલ્લે કોળું વધેરીને દેવોને પ્રસન્ન કરવાનું પરીવર્તન આવ્યું જે હજુ પણ ચાલે છે. આપણે અગ્નિને દેવોનું મુખ માનીએ છીએ તેથી અગ્નિમાં હોમેલું દેવોને મળે છે તેવું માનીને હોમ કરીએ છીએ. જે લોકો અગ્નિને દેવ માનતા નથી તે જૈન-બૌદ્ધ, મુસ્લિમો, ખિસ્તીઓ, યહૂદીઓ વગેરે આવો હોમ કરતા નથી, તે સીધી પ્રાર્થના જ કરે છે.
ભગવાન કહે છે કે ‘અપરે’-બીજા કેટલાક દેવોને રાજી કરવા યજ્ઞ કરે છે. આવા યજ્ઞોમાં ‘ઇન્દ્રાય સ્વાહા, વરૂણાય સ્વાહા’ વગેરે દેવોનાં નામ લઇ-લઇને તેમને આહૂતિઓ અપાય છે. આવા અનેક દેવો ખરેખર અસ્તિત્વ ધરાવે છે કેમ? તેવો પ્રશ્ન ઘણાને થાય છે, તેનાં બે સમાધાનો છે.
આ બધાં એક જ બ્રહ્મનાં તે તે ગુણક્રિયાવાચી નામો છે એટલે કે તે બ્રહ્મ જ છે અને હા, તે જુદાજુદા અસ્તિત્વ ધરાવતા દેવો છે. અહીથી બહુદેવવાદ શરૂ થાય છે. બહુ દેવો હોવા છતાં ઇશ્વર તો એક જ છે. આ દેવો એ દેવો છે ઇશ્વર નથી. આ ભેદ સમજવો જોઇએ.
‘બ્રહ્માગ્નાવપરે યજ્ઞં યજ્ઞેનૈવોપજુહ્વતિ’ આ શ્ર્લોકના પૂર્વાર્ધમાં બતાવવામાં આવેલા દૈવયજ્ઞથી ભિન્ન બીજા યજ્ઞનું વર્ણન કરવાને માટે અહી ‘અપરે’ પદ આવ્યું છે. ચેતનનું જડની સાથે તાદાત્મ્ય થવાને કારણે જ તેને જીવાત્મા કહે છે. વિવેક વિચારપૂર્વક જડથી સર્વથા વિમુખ થઇને પરમાત્મામાં લીન થઇ જવાને અહી યજ્ઞ કહેવામાં આવ્યો છે. લીન થવાનું તાત્પર્ય છે-પરમાત્માથી ભિન્ન પોતાની સ્વતંત્ર સત્તા સહેજપણ ન રાખવી.
હવે યજ્ઞોના પ્રકાર બતાવતાં ભગવાન શ્ર્લોક(૪/૨૬)માં કહે છે કે..
શ્રોત્રાદીનીન્દ્રિયાણ્યન્યે સંયમાગ્નિષુ જુહ્વતિ
શબ્દાદીન્વિષયાનન્ય ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતિ
(અન્યે-અન્ય કેટલાક યોગીઓ, શ્રોત્રાદીની-શ્રોત્ર વગેરે, ઇન્દ્રિયાણિ-તમામ ઇન્દ્રિયોને, સંયમાગ્નિષુ-સંયમરૂપી અગ્નિઓમાં, જુહ્વતિ-હવન કર્યા કરે છે અને, અન્યે-બીજા કેટલાક યોગીજનો, શબ્દાદીન-શબ્દ વગેરે, વિષયાન્-સર્વ વિષયોને, ઇન્દ્રિયાગ્નિષુ-ઇન્દ્રિયોરૂપી અગ્નિઓમાં, જુહ્વતિ-હોમતા રહે છે.)
અન્ય કેટલાક યોગીઓ શ્રોત્ર વગેરે તમામ ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિઓમાં હવન કર્યા કરે છે અને બીજા કેટલાક યોગીજનો શબ્દ વગેરે સર્વ વિષયોને ઇન્દ્રિયોરૂપી અગ્નિઓમાં હોમતા રહે છે.
‘શ્રોત્રાદીનીન્દ્રિયાણ્યન્યે સંયમાગ્નિષુ જુહ્વતિ’ અહી સંયમરૂપી અગ્નિઓમાં ઇન્દ્રિયોની આહૂતિ આપવાને યજ્ઞ કહેવામાં આવ્યો છે. તાત્પર્ય એ છે કે એકાંતકાળમાં કાન, નાક, ત્વચા, નેત્ર અને રસના-આ પાંચેય ઇન્દ્રિયો પોતપોતાના વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધમાં બિલ્કુલ પ્રવૃત્ત ના થાય, ઇન્દ્રિયો સંયમરૂપ જ બની જાય. પુરો સંયમ ત્યારે જ સમજવો જોઇએ જ્યારે ઇન્દ્રિયો મન-બુદ્ધિ-અહમ્-આ બધામાંથી રાગ અને આસક્તિનો સર્વથા અભાવ થઇ જાય.
‘શબ્દાદીન્વિષયાનન્ય ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતિ’ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ-આ પાંચ વિષયો છે. વિષયોનું ઇન્દ્રિયરૂપી અગ્નિઓમાં હવન કરવાથી તે યજ્ઞ બની જાય છે, તાત્પર્ય એ છે કે વ્યવહારકાળમાં વિષયોનો ઇન્દ્રિયો સાથે સંયોગ થતો રહેવા છતાં પણ ઇન્દ્રિયોમાં કોઇ વિકાર ઉત્પન્ન ના થાય. ‘સ્વાધિન અંતઃકરણનો કર્મયોગી સાધક રાગ-દ્વેષ વિનાની પોતાના વશમાં કરેલી ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સેવન કરતો રહીને અંતઃકરણની નિર્મળતાને પામે છે. અંતઃકરણ નિર્મળ થતાં સાધકના સર્વ દુઃખોનો નાશ થઇ જાય છે અને એવા શુદ્ધ ચિત્તના કર્મયોગીની બુદ્ધિ નિઃસંદેહ તત્કાળ પરમાત્મામાં સ્થિર થઇ જાય છે.(ગીતાઃ૨/૬૪-૬૫)’ ઇન્દ્રિયો રાગ-દ્વેષથી રહિત બની જાય. ઇન્દ્રિયોમાં રાગ-દ્વેષ ઉત્પન્ન કરવાની શક્તિ વિષયોમાં રહે જ નહી.
આ શ્ર્લોકમાં કહેવામાં આવેલા બંન્ને પ્રકારના યજ્ઞોમાં રાગ અને આસક્તિનો સર્વથા અભાવ થતાં જ સિદ્ધિ-પરમાત્માપ્રાપ્તિ થાય છે. રાગ અને આસક્તિને દૂર કરવા માટે જ બે પ્રકારની પ્રક્રિયાનું યજ્ઞરૂપે વર્ણન કરવામાં આવ્યું છે. પહેલી પ્રક્રિયામાં સાધક એકાંતકાળમાં ઇન્દ્રિયોનો સંયમ કરે છે. વિવેક, વિચાર, નામ સુમિરણ, ધ્યાન વગેરેથી ઇન્દ્રિયોનો સંયમ થવા લાગે છે. પુરો સંયમ થતાં જ્યારે રાગનો અભાવ થઇ જાય છે ત્યારે એકાંતકાળ અને વ્યવહારકાળ-બંન્નેમાં તેમની સમાન સ્થિતિ રહે છે.
બીજી પ્રક્રિયામાં સાધક વ્યવહારકાળમાં રાગ-દ્વેષરહિત ઇન્દ્રિયો વડે વ્યવહાર કરતો હોઇને મન-બુદ્ધિ અને અહમથી પણ રાગ-દ્વેષનો અભાવ કરી દે છે. રાગનો અભાવ થતાં વ્યવહારકાળ અને એકાંતકાળ-બંન્નેમાં તેની સમાન સ્થિતિ રહે છે.
માત્ર અગ્નિમાં સ્વાહા-સ્વાહા કરીને અગ્નિમાં આહૂતિઓ આપવી તે જ હોમ નથી. અગ્નિ વિના પણ બીજા હોમો હોય છે તે શ્રીમદ્ ભગવદગીતામાં ભગવાન બતાવે છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો આંખ, કાન, નાક, જીભ અને ચામડીને કેટલાક યાજકો સંયમરૂપી અગ્નિમાં હોમતા રહે છે. માનો કે આંખને અમુક દ્રશ્ય જોવાં છે જે હિતકારી નથી, હવે તેનો હોમ સંયમાગ્નિમાં કરી દેવાથી અનિષ્ટ દ્રષ્યોથી યાજક બચી જશે. આવું જ બીજી બધી ઇન્દ્રિયોનું સમજવું. બધી ઇન્દ્રિયોની વેગવૃત્તિને પાછી વાળીને સંયમરૂપી વેદીમાં હોમી દેવાથી ઇન્દ્રિયો વિકારોથી બચી જવાય છે. નિર્વિકારી ઇન્દ્રિયો યાજકને સુખી બનાવે છે.
બીજા કેટલાક શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ-આ પાંચ વિષયોને તે તે ઇન્દ્રિયોમાં હોમે છે એટલે તે તે વિષયો ભોગવાવે છે. તે આવી રીતે આંખ દ્રશ્ય જોવાનું પણ હરીદર્શન, સંતદર્શન, તીર્થદર્શન વગેરે જોવાનું છે. આવી જ રીતે કાનને શબ્દ સાંભળવાના પણ કથામૃતમ્-જ્ઞાનામૃતમ્, હરીભજન-કિર્તન વગેરે સાંભળવાં. આમ ઇન્દ્રિયોનો નાશ નહી કરવાનો પણ તેમને સારો ચારો આપવાનો-આ પણ યજ્ઞ જ છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

