Ahmedabad,તા.23
આજના ઝડપથી વિકસતા શહેરીકરણ સામે ટકાઉ અને સ્માર્ટ ઉકેલો શોધવાના હેતુથી અદાણી યુનિવર્સિટી ખાતે ‘સ્માર્ટ સિટી’ અને ‘બ્રિજ ડિઝાઇન’ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના સિવિલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ વિભાગ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં ભાવિ એન્જિનિયરોએ પોતાની કલ્પનાશક્તિ અને ટેકનિકલ કૌશલ્યનું પ્રદર્શન કર્યુ હતુ.
‘સ્માર્ટ એન્ડ સસ્ટેનેબલ સિટી’ સ્પર્ધામાં અમદાવાદની વિવિધ કોલેજોની ૧૭ ટીમોના અંદાજે ૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ટ્રાફિકની સમસ્યા, વેસ્ટ મેનેજમેન્ટ, પુનઃપ્રાપ્ય ઉર્જા અને સંસાધનોના યોગ્ય સંચાલન પર આધારિત જીવંત મોડલ્સ રજૂ કર્યા હતા. આ પ્રોજેક્ટ્સમાં ખાસ કરીને ભવિષ્યના પ્રદૂષણ મુક્ત અને સુવિધાજનક શહેરોની બ્લુપ્રિન્ટ જોવા મળી હતી.
આ સાથે યોજાયેલી ‘બ્રિજ મોડલ કોમ્પિટિશન’માં ૧૩ ટીમોના ૪૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં સ્ટ્રક્ચરલ ડિઝાઇન અને લોડ-બેરિંગ કેપેસિટી (વજન સહન કરવાની ક્ષમતા) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ મજબૂત અને ટકાઉ પુલના મોડલ્સ બનાવીને તેમની એન્જિનિયરિંગ સૂઝબૂઝનો પરિચય આપ્યો હતો.
અદાણી યુનિવર્સિટીના આ પ્રયાસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પુસ્તકિયા જ્ઞાનની બહાર લાવી વાસ્તવિક દુનિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પડકારો માટે તૈયાર કરવાનો છે. આ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓમાં ટીમવર્ક અને પ્રાયોગિક વિચારધારાને પ્રોત્સાહન મળ્યું છે.

