Ahmedabad,તા.22
દુનિયાભરમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ (એઆઈ)ને કારણે છટણીનો દોર છે. ઢગલાબંધ કંપનીઓએ હજારો કર્મચારીઓને કાઢી મુકયા છે તેવા સમયે ગુજરાતની યુનિવર્સિટીઓમાં સ્નાતક-અનુસ્નાતક વિદ્યાર્થીઓનો ડંકો વાગ્યો છે.
એન્જીનીયરીંગ સ્નાતકોને કંપનીઓ તરફથી રેકોર્ડબ્રેક જોબ ઓફર થઈ છે. સેંકડો કંપનીઓ પ્રતિભાશાળી યુવાઓને નોકરી આપવા ઉતરી પડી હતી. 94 લાખ સુધીના પેકેજ ઓફર થયા હતા. સરેરાશ પગાર-પેકેજમાં 15થી25 ટકાનો વધારો માલુમ પડયો હતો. એઆઈના આવિષ્કાર બાદ વિશ્વની મોટાભાગની કંપનીઓએ છટણીનો માર્ગ અપનાવ્યો હતો.
અત્યાર સુધીમાં હજારો કર્મચારીઓની છટણી થઈ ચુકી છે. તેની સામે એન્જીનીયરીંગ ગ્રેજયુએટો માટે નવી તક સર્જાઈ હોય તેમ ગુજરાતમાં કેમ્પસ પ્લેસમેન્ટના નવા દ્વાર ખુલ્યા છે.
રાજયની જાણીતી ખાનગી યુનિવર્સિટી નિરમામાં જ પ્લેસમેન્ટ પ્રક્રિયામાં 470 કંપનીઓ ઉમટી પડી હતી. અન્ય યુનિવર્સિટીઓમાં પણ સારી હાજરી હતી. નિરમા યુનિવર્સિટીના એક વિદ્યાર્થીને 94 લાખનુ સૌથી મોટુ પેકેજ ઓફર થયુ હતુ.
લીંકેડીને આ પેકેજ ઓફર કર્યુ હતું જે એક રેકોર્ડ બન્યો હતો. જાણકારોના કહેવા પ્રમાણે ટોચની કંપનીઓએ મોટાપાયે છટણી કરી નાખી હતી. હવે એઆઈ પરંપરાગત માનવીય ટેકનોલોજીની ભૂમિકા કેટલા અંશે નિભાવી શકશે તે વિશે અનિશ્ચિતતાનો માહોલ ઉભો થતા કંપનીઓ ભરતી માટે ઉમટી પડી હતી.
સૂત્રોના કહેવા પ્રમાણે રાજયની વિવિધ યુનિવર્સિટીમાં ભરતી માટે ઉમટેલી કંપનીઓની જોબ ઓફરમાં પગાર પેકેજમાં પણ 15થી25 ટકાનો વધારો છે. સંખ્યાબંધ વિદ્યાર્થીઓને 50 લાખથી વધુના પેકેજ ઓફર થયા છે. ગુગલથી માંડીને માઈક્રોસોફટ સુધીની કંપનીઓ પ્લેસમેન્ટ પ્રક્રિયામાં સામેલ થઈ હતી.

