Anand,તા.૨૩
આણંદની ઉમરેઠ વિધાનસભાની પેટાચુંટણી માટે આજે સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન યોજાયું હતું આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ સહિત કુલ ૬ ઉમેદવારોનું ભાવી મતદારોએ ઇવીએમ મશીનમાં સીલ કરી દીધું છે ભાજપે ગોવિંદ પરમારના પુત્ર હર્ષદને મેદાને ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણ પર વિશ્વાસ મુક્યો છે.
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મતદાન મથકો પર અસહ્ય ગરમીની અસર જોવા મળી હતી આથી બપોરે ૧ વાગ્યા બાદ ભારે ગરમીના કારણે મતદાન કેન્દ્રોમાં મતદારોની સંખ્યા નહિવત જોવા મળી હતી ગરમીમાં મતદારોને હાલાકી ન પડે તેનું પણ ધ્યાન અપાયું હતું અને નાના મતદાન મથકો પર ટેન્ટ લગાવવામાં આવ્યા હતાં તો મતદાન મથક પર પીવાના પાણી. સિનિયર સીટીઝન અને જરૂરિયાત માટે વહીલ ચેરની વ્યવસ્થા કરાઈ હતી
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદારોએ મતદાનમાં ભાગ લીધો છે પેટાચુંટણીમાં ૫૫ ટકા મતદાન થયું છે ઉમરેઠ વિધાનસભાના ૩૦૬ મતદાન મથકો ખાતે મતદાન ઉપર વેબકાસ્ટિંગ દ્વારા જનરલ ઓબ્ઝર્વર માતા દિન મીણા અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી ઓડ ખાતેના જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ ઉપર થી નજર રાખી રહ્યા હતાં
ઉમરેઠ બેઠક ઉપર ભૂતકાળમાં ધારાસભ્ય રહી ચૂકેલા એનસીપીના જયંત પટેલે ચિખોદરા ગામે મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે આ ચૂંટણીમાં પરિવર્તન થવાના સંકેત આપતા નિવેદન આપ્યું છે, જેને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની છે. ઉમરેઠ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પરિવાર સાથે અહિમા પ્રાથમિક શાળામાં મતદાન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર સામે લોકો લડત આપશે. ઉમરેઠ બેઠક પર ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે મતદાન કર્યુ છે. તેમણે મત આપ્યા બાદ કહ્યું હતું કે, મારા પિતાની પરંપરા મેં જાળવી છે.પિતાની જેમ જ પૂજા કરી છે. હું જીતીશ તો ઉમરેઠમાં વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવીશ. ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમરેઠ તાલુકો અને આણંદ ગ્રામ્ય વિસ્તારના મળીને કુલ ૪૬ ગામોનો સમાવેશ થાય છે અને ૦૩ નગરપાલિકાઓ ઓડ, ઉમરેઠ અને બોરીયાવીનો પણ સમાવેશ થાય છે. આ પેટાચૂંટણીમાં કુલ ૦૬ હરીફ ઉમેદવારો મેદાને હતાં જેમનું ભાવી મતદારોએ સીલ કર્યું છે
ઉલ્લેખનીય છે કે, ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં શહેરી વિસ્તારમાં ૬૮ મતદાન મથકો અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૩૮ મતદાન મથકો મળી કુલ ૩૦૬ મતદાન મથકો સજ્જ કરવામાં આવ્યા હતાં આ મતદાનો પૈકી ૦૧ મતદાન મથક દિવ્યાંગો દ્વારા સંચાલિત, ૦૨ યુવાઓ દ્વારા સંચાલિત તથા ૦૨ મહિલાઓ દ્વારા સંચાલિત મતદાન મથકો હતાં જ્યારે ૦૫ આદર્શ મતદાન મથક પણ તૈયાર કરવામાં આવ્યા હતાં
મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર પણ સજ્જ હતું જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીની આગેવાનીમાં ૦૨ ડીવાયએસપી, ૦૪ પોલીસ ઇન્સ્પેક્ટર, ૫૦૦ જેટલા પોલીસ અને હોમગાર્ડના જવાનો ઉપરાંત સીઆરપીએફની ૦૩ કંપની મતદાન મથકો ખાતે ફરજ બજાવી હતી

