૧૫ મહાનગરપાલિકા, ૮૪નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતની ૯,૨૬૩ બેઠકો માટે ભારે રસાકસી જામી છે
Ahmedabadતા.૨૫
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ શાંત થયા બાદ હવે આવતીકાલે રવિવાર, ૨૬ એપ્રિલે રાજ્યભરમાં મતદાન યોજાવાનું છે. સવારે ૭ઃ૦૦ વાગ્યાથી સાંજે ૬ઃ૦૦ વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. આ ચૂંટણીમાં ૧૫ મહાનગરપાલિકા, ૮૪નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતની ૯,૨૬૩ બેઠકો માટે ભારે રસાકસી જામી છે.
રાજ્ય ચૂંટણી આયોગના આંકડા અનુસાર, કુલ ૨૫,૫૩૭ ઉમેદવારો મેદાનમાં છે. નોંધનીય વાત એ છે કે મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ ૭૩૬ બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે.આમ, લોકશાહીના આ મહાપર્વમાં હજારો ઉમેદવારો વિના જ કેટલાક પ્રતિનિધિઓ નક્કી થઈ ગયા છે.રાજ્યભરમાં કુલ ૪૮,૪૫૦ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત મતદાન માટે વહીવટી તંત્રે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે. આમાં ૧૪,૨૭૫ સંવેદનશીલ મથકો અને ૨,૧૯૬ અતિ-સંવેદનશીલ મથકોની ખાસ નોંધ લેવાઈ છે. સુરક્ષા વ્યવસ્થામાં ૯૨,૫૮૩ પોલીસ જવાનો તૈનાત રહેશે.
ચૂંટણી પ્રક્રિયાને સુલભ અને સરળ બનાવવા માટે ૨,૬૪,૭૧૫ પોલિંગ સ્ટાફ રાત-દિવસ કાર્યરત છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મતદાન માટે ૧,૨૨,૯૫૧ બેલેટ યુનિટ અને ૧,૦૮,૧૮૮ કંટ્રોલ યુનિટ ઈવીએમ મશીનો ફાળવવામાં આવ્યા છે. આ વખતે ઓબીસી માટે અનામત વધારીને ૨૭% કરવામાં આવી છે અને નવી મહાનગરપાલિકાઓમાં પણ પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે.આવતીકાલે રાજ્યના કુલ ૪,૦૮,૧૬,૭૧૩ મતદારો પોતાના પ્રતિનિધિને ચૂંટવા માટે મતદાન કરશે. આમાં પુરુષ, મહિલા તથા અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણ તૈયારીઓ સાથે સજ્જ થઈ ગયું છે. આ પ્રસંગે ચૂંટણી અધિકારીએ સૌને ૨૬મી તારીખે અનિવાર્ય રીતે મતદાન કરવા અપીલ કરી છે. તેમણે લોકશાહી મજબૂત બનાવવા દરેક નાગરિકની સક્રિય ભાગીદારી જરૂરી હોવાનું જણાવ્યું છે.
તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માત્ર એક પ્રક્રિયા નથી, પરંતુ વિસ્તારના વિકાસ સાથે સીધી રીતે જોડાયેલ છે. રસ્તા, પાણી, શિક્ષણ અને અન્ય સુવિધાઓના વિકાસ માટે યોગ્ય પ્રતિનિધિ પસંદ કરવો જરૂરી છે, અને તે માટે મતદાન કરવું દરેકની પ્રાથમિક જવાબદારી બને છે. ચૂંટણી અધિકારીએ વધુમાં કહ્યું કે મતદારોને પોતાના વિસ્તારમાં કામ કરી શકે એવા યોગ્ય અને નિષ્ઠાવાન ઉમેદવારને પસંદ કરવો જોઈએ. કોઈપણ લાલચ કે દબાણ વગર નિર્ભય બનીને મતદાન કરવું જોઈએ, જેથી સાચા અર્થમાં લોકશાહી મૂલ્યો જળવાઈ રહે.
અંતમાં તેમણે જણાવ્યું કે ૨૬મી તારીખે યોજાનાર મતદાન માટે તમામ સુવિધાઓ મતદાન મથકો પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેથી દરેક મતદારે મતદાન કરીને લોકશાહીને વધુ મજબૂત બનાવવા યોગદાન આપવું જોઈએ.

