Mahisagar,તા.૨૫
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મેડજીના મુવાડા ગામમાંથી માનવતાને શરમાવતી ઘટના સામે આવી છે. અહીં માનસિક રીતે અસ્વસ્થ યુવતી પર પડોશમાં રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધ દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ લુણાવાડા પોલીસ મથકે નોંધાઈ છે. માહિતી મુજબ, મેડજીના મુવાડા ગામમાં રહેતી ૨૬ વર્ષીય માનસિક રીતે દિવ્યાંગ યુવતીને બાજુમાં રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધે એકલતાનો લાભ લઈ પોતાના ઘરે બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાને વધુ ગંભીર બનાવતી બાબત એ છે કે આરોપીએ પોતાની પત્નીને દૂધ લેવા મોકલી આપી હતી અને બાદમાં યુવતી સાથે આ શરમજનક કૃત્ય કર્યું હતું.
બાદમાં યુવતીને કોઈને પણ આ બાબત ન કહેવાની ધમકી પણ આપવામાં આવી હતી. જોકે, યુવતીએ ઘરે જઈ પોતાની માતાને સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી. ત્યારબાદ માતાએ લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તરત જ કાર્યવાહી કરી આરોપી વૃદ્ધની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.
ભરત જેઠાભાઈ પટેલ નામના આ ૭૦ વર્ષીય આરોપીએ પડોશમાં રહેતી યુવતીને હવસનો શિકાર બનાવી સંબંધોને કલંકિત કર્યા છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પીડિતાની માતાએ સમાજને એક સંદેશ આપવા માટે હિંમત દાખવીને આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. લુણાવાડા પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે મહીસાગર નાયબ જિલ્લા પોલીસ વડા, કમલેશ વસાવાએ જણાવ્યું હતું કે, “યુવતી ગામમાં ચાલવા નીકળી હતી. આ દરમિયાન પાડોશીએ યુવતીને ઘરમાં બોલાવી હતી અને ઘરમાં જ બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરી દીધો છે. આરોપી યુવતીનો કૌટુંબિક સંબંધી છે. આરોપી ૭૦ વર્ષનો વૃદ્ધ છે.”

