Jetalsar તા.27
જેતલસર ગામની હોટેલમાં ગઇકાલે સાંજનો સમયે ખુશીઓ છલકાઈ રહી હતી. ત્યારે જ અચાનક કાળમુખી આગે સમગ્ર બિલ્ડિંગને પોતાની લપેટમાં લઈ લીધી હતી. હોટેલમાં બે-બે લગ્નના મંગલ ગીતો ગુંજી રહ્યા હતા અને ઉત્સવનો માહોલ હતો, જે પળવારમાં ચીસાચીસ અને અફરાતફરીમાં ફેરવાઈ ગયો હતો. 35 જેટલા સ્ટાફ સભ્યો અને મહેમાનો જીવ બચાવવા ભાગતા નજરે પડ્યા હતા. આ ભીષણ આગમાં અંદાજે 2.5 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે, જેના કારણે આનંદનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.
આગ એટલી પ્રચંડ હતી કે તેની જ્વાળાઓ આકાશને આંબતી હતી. ઘટનાની જાણ થતા જ ગોંડલ, જૂનાગઢ અને જેતપુરથી ફાયર ફાઈટરોનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સતત એક કલાક સુધી પાણીનો તોતિંગ મારો ચલાવવા છતાં અગ્નિદેવ શાંત થવાનું નામ લેતા ન હતા. હોટેલ માલિક દીપકભાઈ પોલરા અને તેમનો પરિવાર પોતાની નજર સામે મહેનતની કમાણીને રાખ થતી જોઈ હૈયાફાટ રુદન કરી રહ્યો હતો. આ દ્રશ્યો જોઈ ત્યાં હાજર રહેલા દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી.
આ ભયાનક આગ લાગવા પાછળનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. લગ્ન પ્રસંગમાં ફૂટેલા ફટાકડાને કારણે તણખો ઝર્યો કે પછી શોર્ટ સર્કિટથી આ હોનારત સર્જાઈ, તે અંગે રહસ્ય અકબંધ છે.
હોટેલ માલિક દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હવે આગામી દિવસોમાં એફએસએલની ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવશે, ત્યારબાદ જ આ ’અગ્નિતાંડવ’ પાછળનું સાચું કારણ બહાર આવશે.

