Vadodara,તા.28
પત્નીને આત્મહત્યા મજબૂર કરનારા પતિએ જામીન અરજી મૂકતા અદાલતે અરજદારની અરજી નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, પોલીસ ડાયરી અને પોલીસનું સોગંદનામુ જોતા આરોપી મૃતકને નાની નાની વાતોમાં હેરાન કરી આત્મહત્યા માટે ઉશ્કેરતો હતો તેવુ પ્રથમ દ્રષ્ટિએ જણાય છે.
કેસની વિગત એવી છે કે,રણોલી ગામમાં રહેતી નેન્સી નામની પરિણીતાએ લગ્ન દોઢ વર્ષમાં જ સાસરિયાના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી લેતા પોલીસે મહિલાનાપતિ ભાવેશભાઈ રાજુભાઈ વાદીની ધરપકડ કરીહતી. મૃતક નેન્સીએ વર્ષ ૨૦૨૪માં ભાવેશ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.લગ્ન બાદ પતિ દ્વારા જમવાનું બનાવવા જેવી નાની બાબતો અને પિયર જવા બાબતે અવારનવાર ઝઘડા કરી મેણાટોણા મારી શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હોઇ નેન્સીએ આત્મહત્યા કરી લેતા પોલીસે ભાવેશની ધરપકડ કરી હતી.હાલ જેલમાં રહેલા આરોપીએ જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, લગ્નનો સમયગાળો માત્ર દોઢ વર્ષનો છે અને આરોપીની સક્રિય ભૂમિકાને કારણે જ એક યુવતીએ જીવ ગુમાવ્યો છે. ચાર્જશીટ રજૂ થવા માત્રથી ગુનાની ગંભીરતા ઓછી થતી નથી.ન્યાયાધીશે બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ અરજદારની અરજી નામંજૂર કરી હતી.

