Madhya Pradesh,તા.30
કાન્હા ટાઇગર રિઝર્વમાં છેલ્લા નવ દિવસ દરમિયાન એક વાઘણ અને તેના ત્રણ બચ્ચાના મોત થતાં વન્યજીવ સંરક્ષણ વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. એકમાત્ર બચેલું બચ્ચું હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
આ સમગ્ર ઘટના 21 થી 29 એપ્રિલ દરમિયાન બની છે.પ્રોજેક્ટ ટાઇગર હેઠળ દર વર્ષે આશરે રૂ.40 કરોડની સહાય મેળવનારા આ વિશ્વવિખ્યાત અભયારણ્યમાં અત્યાધુનિક દેખરેખ અને મોનીટરીંગ સિસ્ટમ હોવા છતાં સતત થયેલા આ મોતોએ ચિંતા વધારી છે.
T-141 તરીકે ઓળખાતી વાઘણનું બુધવારે મુક્કી વિસ્તારમાં આવેલા ક્વોરેન્ટાઇન સેન્ટરમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ત્રણ દિવસ પહેલાં વાઘણ અને તેના ગંભીર રીતે બીમાર બચેલા બચ્ચાને બેહોશ કરી સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
વન વિભાગના જણાવ્યા મુજબ, આ વાઘણ તેના ચાર બચ્ચા સાથે કાન્હા ટાઇગર રિઝર્વના સરહદી વિસ્તારમાં સતત સક્રિય જોવા મળતી હતી.વાઘણના ચાર બચ્ચામાંથી ત્રણ – બે નર અને એક માદા – ના પાંચ દિવસની અંદર મોત થયા હતા.
પ્રથમ બચ્ચું 21 એપ્રિલે મૃત હાલતમાં મળ્યું હતું.બીજું બચ્ચું 24 એપ્રિલે સડી ગયેલી હાલતમાં મળી આવ્યું હતું.ત્રીજું માદા બચ્ચું 25 એપ્રિલે મૃત હાલતમાં મળી આવ્યું હતું.તમામ બચ્ચાં લગભગ એક વર્ષના હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
પ્રારંભિક પોસ્ટમોર્ટમમાં પહેલા બે બચ્ચાના પેટ ખાલી મળતાં અધિકારીઓએ શરૂઆતમાં ભૂખમરાની સંભાવના વ્યક્ત કરી હતી. જોકે, ત્રીજા બચ્ચાના મૃત્યુ પછી વન વિભાગે ફેફસાના ચેપને મુખ્ય કારણ ગણાવ્યું હતું.

