Dehradun તા.1
ઉતરાખંડના લિપુલેખથી થનારી કૈલાસ માન સરોવર યાત્રાને લઈને દિલ્હીમાં 27 એપ્રિલથી વિદેશ મંત્રાલય કેએમવીએન અને આઈટીબીપીની બેઠક બાદ 30 એપ્રિલથી રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે. કૈલાસ માન સરોવર યાત્રા માટે આવેદનની અંતિમ તારીખ 19 મે છે.
પિથોરાદીઠ પ્રશાસને પણ કૈલાસ માન સરોવર યાત્રાની તૈયારીઓ ઝડપી કરી દીધી છે. આ વખતે પણ આ યાત્રા ઉતરાખંડના લિપુલેખ અને સિકકીમના નાથુલાથી સંચાલીત થશે.
આ બન્ને સ્થળેથી 10-10ની ટુકડીમાં 500-500 લોકો કૈલાસ માન સરોવરની યાત્રા પર જશે. કૈલાસમાન સરોવર યાત્રા પર જવા માટે શ્રદ્ધાળુઓએ વેબસાઈટ https://kmy.gov.in પર જઈને પહેલા રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. નવું એકાઉન્ટ બનાવીને આવેદન ફોર્મમાં વ્યક્તિગત જાણકારી, પાસપોર્ટ ડિટેલ્સ ભરવાની હોય છે.
આવેદન પુરુ થયા બાદ તેની તપાસ અને કમ્પ્યુટરીકૃત ડ્રોથી યાત્રીઓની પસંદગી થાય છે. પસંદગી પામેલા લોકોને એસએમએસ અને ઈ-મેઈલથી જાણ કરવામાં આવે છે, જે બાદ તેઓ આગળની પ્રક્રિયાના પાત્ર ઠરે છે.
લોટરીમાં પસંદગી પામેલ યાત્રીઓએ દિલ્હીમાં મેડીકલ પરીક્ષણમાંથી પસાર થવું પડે છે. પિથોરાગઢના જિલ્લાધિકારી આશિષ ભટગાઈના અનુસાર કૈલાસ માન સરોવર યાત્રા જૂનના પહેલા સપ્તાહમાં શરૂ થશે.

