ભૂકંપનું કેન્દ્ર પ્રાંતની રાજધાની શિયાંગથી લગભગ ૫૬૭ કિલોમીટર દૂર આવેલું હોવાનું જણાવવામાં આવ્યું છે
China and Japan,તા.૧૬
ચીન અને જાપાન હાલ મોટી કુદરતી આફતોનો સામનો કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ ૪૦ મિનિટમાં ૮ વખત ધરતી ધ્રુજતા ચીનમાં હડકંપ મચી ગયો છે, તો જાપનમાં પણ ૫.૫ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ચીનમાં સૌથી શક્તિશાળી ઝટકાની તીવ્રતા ૬.૩ માપવામાં આવી છે. ભૂકંપની ઊંડાઈ જમીનથી ૧૦ કિલોમીટર નીચે હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ચીનના સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, પ્રશાસને તાત્કાલીક અસરગ્રસ્ત વિસ્તારમાં ઈમરજન્સી એલર્ટ જાહેર કરી દીધું છે. આ સાથે જ રાહત અને બચાવ કામગીરી માટે ઈમરજન્સી ટીમો તૈનાત કરવામાં આવી છે. સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ મુજબ, કિંઘાઈ પ્રાંતમાં મંગળવારે સ્થાનિક સમય અનુસાર સાંજે ૬ઃ૪૦ વાગ્યે ભૂકંપનો પહેલો ઝટકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર પ્રાંતની રાજધાની શિયાંગથી લગભગ ૫૬૭ કિલોમીટર દૂર આવેલું હોવાનું જણાવવામાં આવ્યું છે.
શરૂઆતી માહિતી અનુસાર આ ભૂકંપમાં ૧ વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ૪ લોકો ઘાયલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સરકારે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે. આ ઘટનાની ગંભીરતાને જોતા નજીકની કોલસાની ખાણોમાંથી લોકોને પરત બોલાવી લેવામાં આવ્યા છે. સરકાર જાન-માલના નુકસાન અંગે વધુ માહિતી એકત્રિત કરી રહી છે. રિપોર્ટ અનુસાર, રાહત અને બચાવ કામગીરી માટે ૨ સ્પેશિયલ ગાડી અને ૧૦ કર્મચારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. હતાહત થયેલા લોકોની સંખ્યા જોયા બાદ સ્થાનિક પ્રશાસન આગળનો નિર્ણય લેશે.
મંગળવારે મધ્ય ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર ૬.૭ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ઓછામાં ઓછા ૮ લોકો ઘાયલ થયા છે અને વ્યાપક નુકસાન થયું છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલુ શહેરથી આશરે ૪૩ કિલોમીટર દૂર પૂર્વ-દક્ષિણપૂર્વમાં જમીનથી ૧૦ કિલોમીટરની ઊંડાઈએ આવેલું હતું. આ જોરદાર આંચકાના કારણે આશરે ૪,૦૦,૦૦૦ ની વસ્તી ધરાવતા પાલુ શહેરમાં લોકો ગભરાઈને ખુલ્લા મેદાનોમાં દોડી આવ્યા હતા અને સાવચેતીના પગરૂપે હોસ્પિટલોમાંથી દર્દીઓને પણ બહાર ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળેથી સામે આવેલી તસવીરોમાં છત તૂટી પડવી, દીવાલોમાં તિરાડો પડવી અને રસ્તાઓ પર કાટમાળ વિખરાયેલો જોવા મળ્યો છે. આ મુખ્ય ભૂકંપ બાદ પણ કેટલાય આફ્ટરશોક્સ અનુભવાયા હતા, જેમાં સૌથી શક્તિશાળી આંચકો ૫.૨ ની તીવ્રતાનો નોંધાયો હતો. પ્રશાસન દ્વારા હજુ પણ નુકસાન અને જાનમાલની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.
બીજી તરફ, જાપાનમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર જાપાનના ઇબારાકી પ્રાંતમાં ૫.૫ તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે.
જાપાન વેધર સેન્ટરના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ મંગળવારે સ્થાનિક સમય અનુસાર સાંજે ૭ઃ૪૬ વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનથી લગભગ ૫૦ કિલોમીટરની ઊંડાઈએ આવેલું હતું.

