ચૂંટણી પહેલા જ લેઉઆ અને કડવા પાટીદારોમાં બેલેન્સ રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે
Rajkot,તા.૧૬
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયેલા ભવ્ય વિજય બાદ રાજકોટ ભાજપે હવે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. રાજ્યમાં ભાજપે પાટીદાર સમાજને સાથે રાખવા માટે તૈયારીઓ શરૂ કરી છે.
આજે પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે ફરી બેઠકનો દોર યોજાયો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સિદસર ઉમિયાધામના પ્રમુખ મૌલેશ ઉકાણી સાથે મુલાકાત કરી હતી. ચૂંટણી પહેલા જ લેઉઆ અને કડવા પાટીદારોમાં બેલેન્સ રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં આગામી ૨૦૨૭માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકોટ ભાજપે અત્યારથી જ રાજકીય રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે.ચૂંટણીના સત્તાવાર બ્યુગલ વાગે તે પહેલાં ભાજપે રાજ્યના પાટીદાર સમાજ સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણી પહેલાં લેઉઆ અને કડવા પાટીદાર સમાજ વચ્ચે યોગ્ય રાજકીય બેલેન્સ જાળવી રાખવા માટે ભાજપ દ્વારા હાઈપ્રોફાઈલ બેઠકો કરી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કડવા પાટીદાર સમાજના અગ્રણી મૌલેશભાઈ ઉકાણી સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.મૌલેશભાઈ ઉકાણી હાલમાં કડવા પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર સમાન સિદસર ઉમિયાધામના પ્રમુખ તરીકે કાર્યરત છે.આ બેઠકમાં સામાજિક અને રાજકીય સમીકરણો અંગે વિસ્તૃત ચર્ચા થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ભાજપના આ જનસંપર્ક અભિયાનની શરૂઆત અગાઉ જ થઈ ચૂકી છે.આ પહેલાં રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ લેઉઆ પાટીદાર સમાજની સર્વોચ્ચ સંસ્થા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથે બંધબારણે બેઠક યોજી હતી.
પહેલા લેઉઆ પાટીદાર અને હવે કડવા પાટીદાર સમાજના ટોચના આગેવાનો સાથે ભાજપના સિનિયર નેતાઓની મુલાકાત એ સ્પષ્ટ સંકેત આપે છે કે ભાજપ ચૂંટણી પહેલાં પાટીદાર વોટબેંકને વધુ મજબૂત કરવા માંગે છે.બંને અગ્રણી સંસ્થાઓના વડાઓ સાથેની આ બેઠકો આગામી ૨૦૨૭ની ચૂંટણીમાં ભાજપ માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થાય તેવા પ્રયાસો શરૂ કરાયા છે.

