Bhavnagar,તા.૧૬
Bhavnagar-સોમનાથ નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે દારૂની હેરાફેરી કરી રહેલી એક પૂરપાટ ઝડપે જતી ઇનોવા કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં કાર હાઈવે પરથી ફંગોળાઈને સીધી બાજુના ખેતરમાં પલટી મારી ગઈ હતી. જેમાંથી વિદેશી દારૂની બોટલોનો જથ્થો રસ્તા પર વેરવિખેર થઈ ગયો હતો. ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ પહોંચે તે પહેલા દારૂની બોટલોની લૂંટાફાટ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, સિલ્વર કલરની ઇનોવા કાર વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને પૂરપાટ ઝડપે જઈ રહી હતી. તરેડી ગામના પાટિયા નજીક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ત્રણ-ચાર પલટી મારીને માર્ગની બાજુમાં આવેલી વાડીમાં ખાબકી હતી. અકસ્માત બાદ ગાડીમાં લાગેલી સેફ્ટી એરબેગ્સ ખુલી જવાને કારણે ચાલકનો બચાવ થયો હતો, પરંતુ પોલીસ પકડાય તે ડરે ચાલક અંધારાનો લાભ લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.
સ્થાનિક ખેડૂતો અને લોકો જ્યારે બચાવ કામગીરી માટે દોડી આવ્યા ત્યારે કારમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, કારમાંથી અંદાજે ૭૦૦ જેટલી વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા.
અકસ્માત બાદ દારૂની રેલમછેલ જોઈને કેટલાક લોકોએ પોલીસ પહોંચે તે પહેલા જ બોટલોની લૂંટ ચલાવી હતી. જોકે, મહુવા ગ્રામ્ય પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
મહુવા પોલીસે અકસ્માતગ્રસ્ત સ્થળેથી અંદાજે ૭૮,૦૦૦ની કિંમતનો વિદેશી દારૂ-બિયરનો જથ્થો અને આશરે ૨,૦૦,૦૦૦ની કિંમતની ઇનોવા કાર મળીને કુલ ૨,૭૮,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે વાહનના રજિસ્ટ્રેશન નંબરના આધારે તેના માલિકની શોધખોળ શરૂ કરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની ડિલિવરી કયા લોકલ બુટલેગરને આપવાની હતી, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

