Rajkot,તા.૧૨
રાજકોટમાં વધી રહેલી આકરી ગરમી હવે માત્ર લોકો માટે જ નહીં પરંતુ પશુ-પક્ષીઓ માટે પણ જીવલેણ સાબિત થઈ રહી છે. તાપમાન સતત ૪૨ ડિગ્રી આસપાસ રહેતા શહેરમાં દરરોજ મોટી સંખ્યામાં પક્ષીઓ અને પશુઓ ડિહાઈડ્રેશન અને હિટસ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે. એનિમલ હોસ્પિટલોમાં રોજના આશરે ૧૦૦ જેટલા કેસ નોંધાઈ રહ્યા છે, જ્યારે પક્ષીઓના મૃત્યુદરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. નિષ્ણાતો દ્વારા લોકોને અબોલ જીવો માટે પાણી અને છાંયડાની વ્યવસ્થા કરવાની અપીલ કરવામાં આવી રહી છે.
રાજકોટ શહેરમાં ઉનાળાની ગરમી દિવસેને દિવસે અસહ્ય બની રહી છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ દેખાય છે અને લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. પરંતુ આ તાપમાનનો સૌથી વધુ પ્રભાવ અબોલ જીવ પર પડી રહ્યો છે. શહેરમાં અનેક સ્થળોએ પક્ષીઓ બેભાન હાલતમાં મળી આવવાના બનાવો વધી રહ્યા છે, જ્યારે રસ્તા પર રખડતા શ્વાન અને ગાય પણ ભારે ગરમીથી પરેશાન થઈ રહ્યા છે.
હનુમાન મઢી ચોક પાસે કાર્યરત એનિમલ હોસ્પિટલના ડોક્ટરો જણાવે છે કે, આ વર્ષે ગરમીનું પ્રમાણ છેલ્લા કેટલાંક વર્ષો કરતાં વધુ જોવા મળી રહ્યું છે. તેના કારણે પશુ-પક્ષીઓમાં હીટસ્ટ્રોક અને ડિહાઈડ્રેશનના કેસ સતત વધી રહ્યા છે. હાલ દરરોજ સરેરાશ ૧૦૦ જેટલા કેસ હોસ્પિટલ સુધી પહોંચી રહ્યા છે. ઘણા પક્ષીઓ પાણીના અભાવે આકાશમાં ઊડતી વખતે જ અચાનક નીચે પટકાઈ જાય છે.
ખાસ કરીને ચકલી, કબૂતર, પોપટ, કાબર અને હોલા જેવા નાના પક્ષીઓમાં આ સમસ્યા વધુ જોવા મળી રહી છે. બપોરની તીવ્ર ગરમીમાં શરીરમાં પાણીની ઉણપ સર્જાતા તેઓ અશક્ત બની જાય છે. ઘણીવાર લોકોના ઘરની બાલ્કની, અગાસી અથવા રસ્તા પર પક્ષીઓ બેભાન હાલતમાં જોવા મળે છે. સમયસર સારવાર ન મળે તો આવા પક્ષીઓ જીવ ગુમાવી દેતા હોય છે. માત્ર પક્ષીઓ જ નહીં પરંતુ શ્વાન, બિલાડી, સસલું અને વાછરડાં જેવા પ્રાણીઓ પર પણ ગરમીની ગંભીર અસર પડી રહી છે. રસ્તા પર દિવસભર ભટકતા શ્વાનોના શરીરનું તાપમાન ૧૦૮ ડિગ્રી સુધી પહોંચી જતું હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. કેટલાક ગંભીર કિસ્સાઓમાં પ્રાણીઓને સતત બે થી ત્રણ દિવસ સુધી સેલાઈન આપવાની ફરજ પડે છે.
એનિમલ હોસ્પિટલમાં આવતા કેસોમાં મોટાભાગના કેસ હિટસ્ટ્રોક અને ડિહાઈડ્રેશન સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. ડોક્ટરો કહે છે કે, પક્ષીઓને સારવારમાં માત્ર બે-ત્રણ કલાકનો વિલંબ પણ જીવલેણ સાબિત થઈ શકે છે. હાલની સ્થિતિમાં પશુ-પક્ષીઓના મૃત્યુદરમાં અંદાજે ૨૦ ટકાનો વધારો નોંધાયો છે, જે ચિંતાજનક માનવામાં આવે છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં અબોલ જીવો માટે પાણી અને છાંયડાની વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી બની છે. નિષ્ણાતો લોકો પાસે અપીલ કરી રહ્યા છે કે, પોતાના ઘરની બહાર, બાલ્કની અથવા અગાસી પર પાણીના કુંડા જરૂર રાખવા જોઈએ. સાથે જ રસ્તા પર રહેતા શ્વાનો માટે છાંયડાની અને પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવી જોઈએ.
નાનકડો પ્રયાસ પણ અનેક અબોલ જીવનો જીવ બચાવી શકે છે. જો કોઈ પક્ષી કે પ્રાણી અશક્ત હાલતમાં દેખાય તો તરત જ એનિમલ હેલ્પલાઈનનો સંપર્ક કરીને તેને સારવાર મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. માણસોની સાથે હવે પશુ-પક્ષીઓને પણ આ અસહ્ય ગરમીથી બચાવવાની જવાબદારી સમાજની બની છે.

