ડિસ્ટ્રિક્ટ જજ, સિનિયર સિવિલ જજ અને જેએમએફસી કેડરમાં જજોની આંતરિક ટ્રાન્સફર
Rajkot તા.૮
રાજ્યની દીવાની અદાલતોમાં આવતીકાલથી વેકેશન શરૂ થઈ રહ્યું છે ત્યારે, હાઇકોર્ટ દ્વારા ન્યાયતંત્રમાં વહીવટી પારદર્શિતા લાવવા અને કાર્યક્ષમતા વધારવાના આશયથી ડિસ્ટ્રિક્ટ જજ કેડર, સિનિયર સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કેડરમાં બદલીના આદેશો બહાર પાડવામાં આવ્યા છે. જેમાં ડિસ્ટ્રિક્ટ કેડરમાં ૬૫ અને સિનિયર સિવિલ જજ કેડરમાં ૧૨૫ સહિત ૩૪૩ જ્યુડિશિયલ ઓફિસરોની બદલી તેમજ ક્રમાંક ફેરફારનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.દીવાની અદાલતોમાં આવતીકાલ તા. ૯ મેથી તા. ૭ જૂન સુધીનું વેકેશન જાહેર થયું છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટ રજિસ્ટ્રાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં બદલી થનાર જ્યુડિશિયલ ઓફિસરોને તા. ૭ જૂન સુધીમાં ચાર્જ સંભાળી લેવા સૂચના આપવામાં આવી છે.
નોટિફિકેશન મુજબ, ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં ૬૫ જજીસની બદલીમાં રાજકોટના એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્રસીંગ શેર સીંગની બદલી બનાસકાંઠાના પાલનપુર ફેમિલી કોર્ટમાં પ્રિન્સિપાલ જજ તરીકે, રાજકોટ ફેમિલી કોર્ટના જજ ગૌરવ દીપક યાદવને અમદાવાદ સીટી સિવિલ કોર્ટમાં, રાજકોટ એડિશનલ સેશન્સ જજ વી કે ભટ્ટની ધોળકા અને ફેમિલી કોર્ટ જજ હીનાબેન દેસાઈની બદલી અમદાવાદ સીટી સિવિલ કોર્ટમાં ઉપરાંત ગોંડલ સેશન્સ કોર્ટના એચ.એ ત્રિવેદીની બદલી ખેડા જિલ્લાના નડિયાદ ખાતે કરવામાં આવી છે. ત્યારે અન્યત્રથી રાજકોટમાં મૂકવામાં આવેલા જજીસમાં વડોદરાથી પ્રિયંકા અગ્રવાલ, અમદાવાદ ફેમિલી કોર્ટના પી.જે. ચૌધરી રાજકોટ ફેમિલી કોર્ટમાં બનાસકાંઠાના ડીસાના મહેરીના બાલકૃષ્ણ ડાંગે રાજકોટ ફેમિલી કોર્ટમાં, ગોધરાથી વૈભવ વસંત મોઢેને ધોરાજી ખાતે અને સુરતથી આર. કે. મોઢ અને વાપીથી પુષ્પા શંકરલાલ સૈની બંનેને ગોંડલ સેશન્સ કોર્ટમાં મૂકવામાં આવ્યા છે.આવી જ રીતે સિનિયર સિવીલ જજ અને મેજિસ્ટ્રેટ કેડરમાં કુલ ૧૫૩ ન્યાયાધીશોની બદલી કરવામાં આવી છે, તેમાં રાજકોટના સિનિયર સિવિલ જજ આઈ એમ શેખને સાબરકાંઠા, એ. જે. સંઘવીને ગાંધીનગર, અરુણકુમાર સોનીને મહેસાણા તેમજ ધોરાજીના સુનિલ વાઘને ખેડા ખાતે ઉપરાંત ગોંડલના રણવીર સિંહ રાઠોડ ને બનાસકાંઠામાં મૂકવામાં આવ્યા છે.
જેએમએફસી કેડરમાં કુલ ૧૨૫ ન્યાયાધીશોની બદલી કરવામાં આવી છે તેમાં રાજકોટના ઉપલેટા ના ડીવાય પટેલને અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે તેમજ રાજકોટના હેતલબેન ગઢવીને પાટણ જિલ્લાના વારાહી ખાતે મૂકવામાં આવ્યા છે, જ્યારે નવસારી જિલ્લાના વધાઈ ખાતેથી પી. એસ. રોંદલને રાજકોટ મૂકવામાં આવ્યા છે.ડિસ્ટ્રિક્ટ જજ કેડર અને સિનિયર સિવિલ જજ જેએમએફસી કેડરમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર વિસ્તારને ખાસ અસર થતી નથી.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલા બદલીના આ હુકમો અનુસંધાને જ્યુડિશિયલ ઓફિસરોને તેમના બદલીના સ્થળે એક માસની અંદર જે તે જગ્યાનો ચાર્જ સંભાળી લેવાની સૂચના આપવામાં આવી છે.

