Mumbai તા,14
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની સીઝન જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ મેદાનની બહારના વિવાદો પણ જોર પકડી રહ્યા છે. હાલમાં પંજાબ કિંગ્સના લેફ્ટ હેન્ડેડ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ એક ગંભીર વિવાદમાં ફસાયા હોય તેવું લાગી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક તસવીરને કારણે અર્શદીપ પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના શિસ્તભંગના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે.
સોશિયલ મીડિયા પર અર્શદીપ સિંહ અને તેની ગર્લફ્રેન્ડ સમરીન કૌરની એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં બંને પંજાબ કિંગ્સની અધિકૃત ટીમ બસમાં સાથે બેઠેલા જોવા મળે છે. વિવાદનું મુખ્ય કારણ એ છે કે BCCIના પ્રોટોકોલ મુજબ, કોઈપણ ખેલાડીના પરિવારના સભ્યો કે મિત્રો ટીમ બસમાં ખેલાડીઓ સાથે મુસાફરી કરી શકતા નથી.
સામાન્ય રીતે, ફ્રેેન્ચાઈઝી ખેલાડીઓના પરિવારજનો માટે અલગ વાહનની વ્યવસ્થા કરે છે. અર્શદીપ દ્વારા આ નિયમનું કથિત ઉલ્લંઘન થતા હવે સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતો વચ્ચે ચર્ચા જાગી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ BCCIએ તમામ આઈપીએલ ટીમોને શિસ્ત અને નિયમો બાબતે કડક ચેતવણી આપી હતી. અહેવાલો અનુસાર, બોર્ડને એવી શંકા હતી કે કોઈ ખેલાડીના નજીકના વ્યક્તિ દ્વારા ટીમની આંતરિક માહિતી લીક થઈ રહી છે. આવા સંજોગોમાં ટીમ બસમાં અનધિકૃત વ્યક્તિની હાજરી સુરક્ષા અને ગોપનીયતાના ભંગ સમાન માનવામાં આવે છે.
અર્શદીપ સિંહ તાજેતરમાં જ મેકલોડગંજમાં પણ સમરીન કૌર સાથે ફરતો જોવા મળ્યો હતો, જેની તસવીરો પણ ચર્ચામાં રહી હતી. હવે જ્યારે ટીમ 14 મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાવાની છે, ત્યારે ખેલાડીઓનું ધ્યાન વિવાદોમાંથી હટીને રમત પર કેન્દ્રિત થાય તે પંજાબ કિંગ્સ માટે અનિવાર્ય છે. જો BCCI આ મામલે ગંભીરતા દાખવશે, તો અર્શદીપ સિંહ વિરુદ્ધ કાર્યવાહીની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

