Rajkot, તા.15
ગાંધીનગર જિલ્લાના દશેલા ગામ ખાતે આવેલ ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, મધુર ડેરીના આધુનિક ફુલ્લી ઓટોમેટીક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત ભાઈ શાહના વરદ હસ્તે આગામી તા.17 ને રવિવારના રોજ લોકાર્પણ કરાશે.અંદાજિત રૂપિયા 128 કરોડના ખર્ચે બનેલા આ અદ્યતન પ્લાન્ટની દૈનિક દૂધ પ્રોસેસિંગ ક્ષમતા 2.5 લાખ લીટર છે, જેને જરૂર મુજબ 5.0 લાખ લીટર પ્રતિ દિવસ સુધી વિસ્તૃત કરી શકાય છે.
આ પ્લાન્ટના લોકાર્પણ બાદ મધુર ડેરીની કુલ દૂધ પ્રોસેસિંગ અને પેકેજીંગ ક્ષમતા 5.0 લાખ લીટર પ્રતિ દિવસ સુધી વધશે, જેના કારણે મધુર ડેરી ગાંધીનગર જિલ્લાની સૌથી મોટી સહકારી દૂધ સંઘ તરીકે ઉભરી આવશે.
નવીન ડેરી પ્લાન્ટ થકી મધુર ડેરી સાથે સંકળાયેલ દૂધ ઉત્પાદકો તેમજ ગ્રાહકો અનેક ફાયદાઓ થશે જેમાં મુખ્યત્વે જિલ્લાના દૂધ ઉત્પાદકોનું તમામ દૂધ મધુર ડેરી પ્રોસેસ કરી શકશે, જિલ્લાના તમામ દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ મળી શકશે, ગ્રાહકોને ગુણવત્તાયુક્ત દૂધ તથા વિવિધ દૂધની બનાવટો ઉપલબ્ધ થશે. અમુલ ફેડરેશન (GCMMF) માટે નવી દૂધની બનાવટો બનાવવા ક્ષમતા વધશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મધુર ડેરી કાયમ માટે દૂધ ઉત્પાદક સભ્યોના કલ્યાણ અને સહકારી ક્ષેત્રના વિકાસકાર્યોમાં કાયમ માટે પ્રતિબદ્ધ રહી છે. વ્યાપાર અને સહકારના મોરચે મધુર ડેરીએ છેલ્લા કેટલાંક વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. લાંબા ગાળાની વિકાસલક્ષી વ્યૂહરચનાના ભાગરૂપે અનેક માળખાકીય પ્રોજેક્ટ્સ અને નવી યોજનાઓ દ્વારા ડેરી ઝડપથી વિસ્તરણ કરી રહી છે, જેના પરિણામે જિલ્લાના દૂધ ઉત્પાદકોના જીવનમાં આર્થિક સમૃદ્ધિ વધતી જઈ રહી છે.

