Rajkot તા.15
રાજકોટ: શહેરમાં અત્યારે સૂર્યનારાયણ અગનગોળા વરસાવી રહ્યા છે અને તાપમાનનો પારો 42 ડિગ્રીને વટાવી ગયો છે ત્યારે વીજતંત્રના અણઘડ આયોજને લોકોની મુશ્કેલીમાં પડતા પર પાટું માર્યું છે. પીજીવીસીએલના ‘પ્રગટેશ્વર ફીડર’ હેઠળ આવતા નાના મૌવા રોડ, ગોવિંદ પાર્ક અને આસપાસની અસંખ્ય સોસાયટીઓમાં આજે તારીખ 15 મેના રોજ વહેલી સવારના 06:00 વાગ્યાથી જ પ્રી-મોન્સૂન મેન્ટેનન્સના નામે પાવર શટડાઉન લાદી દેવામાં આવતા હજારો પરિવારો આકરી ગરમીમાં શેકાવા મજબૂર બન્યા હતા.
બપોરના 12:00 વાગ્યા સુધીના આ 6 કલાકના લાંબા વીજકાપે જનજીવનને બાનમાં લીધું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને સવારના વ્યસ્ત સમયે જ વીજળી ગુલ થઈ જતા ગૃહિણીઓને પાણી ખેંચવાની મોટરો ચલાવવામાં અને રસોઈકામમાં ભારે અવરોધ ઉભો થયો હતો, જેના કારણે અનેક પરિવારોની સવારની દિનચર્યા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી.એક તરફ આભમાંથી અગ્નિ વર્ષા થઈ રહી છે ત્યારે ઘરોમાં પંખા અને કુલર બંધ થઈ જતા માસૂમ બાળકો અને બીમાર વૃદ્ધો માટે આ અસહ્ય ઉકળાટ અત્યંત કષ્ટદાયક સાબિત થઈ રહ્યો હતો.
સ્થાનિક રહીશોમાં એવો સણસણતો સવાલ ઉઠી રહ્યો છે કે શું મેન્ટેનન્સ જેવી કામગીરી માટે વીજતંત્રને ઉનાળાની આ આકરી સવાર અને ભયાનક લૂ સિવાય બીજો કોઈ સમય જ નથી મળતો? નોંધનીય છે કે આ ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં અવારનવાર સર્જાતી ટેકનિકલ ખામીઓ અને વારંવારના શટડાઉનથી લોકો પહેલેથી જ તોબા પોકારી ઉઠ્યા છે.
પીજીવીસીએલ તંત્ર ભલે દર વખતે અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરીને પોતાની જવાબદારી પૂરી કરતું હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે તંત્રના અણઘડ આયોજનનો ભોગ ટેક્સ ભરતી પ્રામાણિક જનતા બની રહી છે. આકરી ગરમી વચ્ચે લાદવામાં આવેલા આ પાવર કટને કારણે પ્રજામાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે અને તંત્ર આવી કામગીરીમાં કોઈ માનવીય અભિગમ અપનાવે તેવી હાર્દિક ચંદારાણાએ માંગણી ઉઠાવી છે.

