Rajkot તા.15
રાજકોટમાં મહિલા હેલ્પલાઇન 181એ ફરી એક વખત તૂટી રહેલા પરિવારને સંભાળી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પીડિત મહિલાએ 181 પર કોલ કરી ફરિયાદ કરી હતી કે તેનો પતિ વારંવાર શંકા રાખી માનસિક તેમજ શારીરિક હેરાનગતિ પહોંચાડે છે.
માહિતી મળતા જ 181ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કર્યું હતું. મહિલાએ જણાવ્યું હતું કે ચાર વર્ષ પહેલાં પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા અને હાલમાં બે નાના બાળકો સાથે મજૂરી કામ કરી પરિવાર ચલાવે છે. પતિ બાળકોની જવાબદારી પણ નિભાવતો ન હોવાથી મહિલાને બાળકોને સાથે રાખી કામ પર જવું પડતું હતું.
ઘટના દરમિયાન મહિલાએ માત્ર પાડોશીને બાળકો બહાર ન જાય તે માટે દરવાજો બંધ રાખવા કહ્યું હતું, પરંતુ પતિએ આ વાતને ગેરસમજી પત્ની પર આક્ષેપો કરીઝઘડો કર્યો હતો. પાડોશીઓએ પણ પતિને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, છતાં તેના વર્તનમાં ફેરફાર આવ્યો ન હતો.181 ટીમે પતિને કડક શબ્દોમાં સમજાવ્યું હતું કે પત્ની પર બિનઆધારિત શંકા રાખવી અને મારઝૂડ કરવી કાયદેસર ગુનો છે.
સાથે મહિલાને સુરક્ષા અને આશ્રય અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ટીમની સમજાવટ બાદ પતિએ પોતાની ભૂલ સ્વીકારી પત્ની અને બાળકો પ્રત્યે જવાબદારી નિભાવવાની ખાતરી આપી હતી. પરિવારનો માહોલ શાંત બનતા મહિલાએ 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

