Junagadh તા.16
Junagadh મહાનગરમાં સસ્તા અનાજમાં ગરીબોને અપાતા ઘઉં ચોખા છકડો રીક્ષા મારફત ઘરે ઘરે ફરીને ઉઘરાણા ખુલ્લાઆમ કરી રહ્યા હોવા છતાં મામલતદાર કે પુરવઠા વિભાગની નજરે નથી આવતા ખાસ બીલખાના અનેક છકડો રીક્ષાઓ સરાજાહેર સસ્તા અનાજનો માલ ઉઘરાવી રહ્યા છે.
Junagadh રેન્જ આઈજી સ્કવોર્ડને મળેલી બાતમીના આધારે માખીયાળા નજીકના ગોડાઉનમાં ત્રાટકી સંગ્રહ કરેલ 8.85 લાખની કિંમતનો સરકારી અનાજનો જથ્થો ઘઉં-ચોખાનો પકડી પાડયો હતો. જેમાં બિલખાના બે શખ્સોએ બહારથી આ જથ્થો ભેગો કરાવીને સંગ્રહ કર્યો હતો. કુલ રૂા.18.85 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બિલખામાં રહેતા મહમદ જમાલ માલવીયા અનેઈરફાન સતાર કાળવાતર નામનાઓએ માખીયાળામાં ગોડાઉન ભાડે રાખી બહારથી ગે.કા. રીતે સરકારી અનાજ ઘઉં ચોખાનો સંગ્રહ કર્યો હોવાની બાતમીના આધારે રેડ કરતા રેન્જ આઈજીના પીઆઈ વાય.બી. રાણા અને સ્ટાફે દરોડો પાડી 4.60 લાખની કિંમતના 23 હજાર કિલો ઘઉં, 4.25 લાખની કિંમતના 17 હજાર કિલો ચોખા કબ્જે કર્યા હતા. સ્થળ ઉપરથી અનાજનો જથ્થો અને ટ્રક મળી કુલ રૂા.18.85 લાખનો મુદ્દામાલ કબજે કરી તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. રોજબરોજનો લાખોનો કારોબાર થઈ રહ્યો છે.
જાહેરમાં રીક્ષા છકડોમાં માલ ઉઘરાવાય છે છતાં આવા છડેચોક ફરતા તત્વોને પુરવઠા કે મામલતદાર વિભાગ આંખ આડા કાન કેમ કરે છે? કે કોઈ વિટામીન કામ કરી રહ્યું છે? જેથી પોલીસને ખુદ ગબ્બર બનીને સસ્તા અનાજનો જથ્થો પકડવો પડે છે તે સવાલ ઉઠવા પામ્યો છે.

