New Delhi,તા,18
મધ્ય પૂર્વમાં ફરી તનાવ વધવા સાથે નવેસરથી મહાયુધ્ધ થવાના ભણકારો હેઠળ ક્રૂડતેલ સળગ્યું હતું અને કરન્સી માર્કેટમાં રૂપિયો નવા તળીયે ધસી ગયો હતો.
અમેરિકા-ઇરાન વચ્ચેના યુધ્ધમાં સીઝફાયર હોવા છતાં કોઇ સમજુતી થતી નથી.
પરમાણુ તથા હોર્મુઝ મામલે મડાગાંઠનો ઉકેલ આવતો નથી. બન્ને દેશો એક બીજાની શરતો ફગાવી રહ્યા છે તેવા સમયે વિશ્વસ્તરે ગભરાટનો માહોલ છે. આ દરમિયાન યુએઇના ન્યુક્લીયર મથક પર ડ્રોન હુમલો થતાં ગભરાટ વધુ વકર્યો હતો. તનાવ ગંભીર બનવાની ભીતિ વ્યક્ત થવા લાગી હતી.
વૈશ્વિક ઘટનાક્રમો વચ્ચે આજે ડબલ્યૂટીઆઇ ક્રૂડ ઉંચકાઇને 107.55 ડોલર થયું હતું. જ્યારે બ્રેન્ટ ક્રૂડના 111.07 ડોલર હતા. ભારતને કરન્સી મોરચે પણ માર હોય તેમ ડોલર સામે રૂપિયો 31 પૈસા ગગડીને 96.28ના નવા તળીયે ધસી ગયો હતો.
કરન્સી માર્કેટમાં રૂપિયાના ઘટવાથી ભારતને બેવડો માર પડી રહ્યો છે તમામ ક્રુડ તેલ, ખાતર, સોના-ચાંદી, ઇલેકટ્રોનિકસ સહિતની તમામે તમામ ચીજોમાં ભાવ વધારાનો ડામ લાગવાના પગલે હવે લોકલ માર્કેટમાં પર મોંઘવારી ડાકલા વાગે તેવો ભય સર્જાઇ રહ્યો છે. નિષ્ણાંતો આવતા દિવસોમાં હજુ રૂપિયો દબાણ હેઠળ જ રહેવાની ચેતવણી આપી રહ્યા છે. તેના કારણે અર્થતંત્ર પર મોટો પડકાર ઉભો થઇ શકે છે.

