New Delhi,તા,18
વિશ્વના સૌથી ઝડપથી આગળ વધતા અર્થતંત્રમાંથી ઈરાન યુદ્ધના કારણે ભારત હવે વિશ્વના સૌથી વધુ મોંઘવારીનો સામનો કરી રહેલા અર્થતંત્રની કતારમાં જોડાઈ ગયું છે અને હજું ઈરાન યુદ્ધ કઈ બાજુ જશે તે નિશ્ચિત નથી.
ક્રુડતેલના ભાવ 100 ડોલરથી 120 ડોલર વચ્ચે જ રહેશે તથા રૂપિયો પણ 100ની સપાટી પાર કરી જાય તો આશ્ચર્ય થશે નહી એમ હવે બધું `ડાર્ક’ ચિત્ર બની ગયું છે. દિલ્હીમાં ફકત 48 કલાકમાં જ સીએનજીના ભાવ બીજી વખત વધારવા પડયા. ગત સપ્તાહે પેટ્રોલ-ડિઝલ મોંઘા કર્યા બાદ પણ હજું ઓઈલ માર્કેટીંગ કંપનીઓ બન્ને ઈંધણમાં મોટી અન્ડર રીકવરીનો ભોગ બની રહી છે તેથી ફરી આ ભાવ વધારવા પડે કે `રેશનીંગ’ પણ આવે તો આશ્ચર્ય થશે નહી.
સરકારના શ્રેષ્ઠ પ્રયાસો છતા પણ વૈશ્વિક પરીસ્થિતિ પર કાબુ નથી તે નિશ્ચિત છે અને તેમાં ચોમાસા અંગે પણ બહું સારા સમાચાર નથી. આમ અચ્છે દિન તો ભુલી જ જાવ- લોકોની ભોજનથાળીમાં પણ ભાવ વધારા પછી કેટલી વાનગી બચશે તે પ્રશ્ન છે.
હાલમાં જ અમુલે દુધ મોંઘુ કર્યુ અને ખાનગી ડેરીઓએ પણ ભાવવધારો કર્યો છે. સિનેમા, રેસ્ટોરા, એર ટ્રાવેલ, જવેલરી ખરીદીનો એક મોટો વર્ગ ભુલી જ જવાની તૈયારીમાં છે અથવા તેઓએ તે વિચારવાનું બંધ કરી દીધુ છે પણ જે રોજબરોજની આવશ્યકતા છે તે ખરીદીમાં પણ વધુ બજેટ ફાળવવા પડે છે.
એલપીજી મોંઘા થયા અને હજુ મોંઘા થશે તેથી ચુલો સળગાવવાથી જ મોંઘવારી શરૂ થઈ છે. તેમાં ઈંધણ ભાવવધારો એ તમામ ભાવ વધારશે. તમામ ક્નઝયુમર કંપનીઓ હિન્દુસ્તાન લીવરીથી લઈને અમુલ અને સાબુ-શેમ્પુથી લઈને દવાઓ તમામમાં ભાવવધારો 4થી10%નો થશે. બજારમાં સ્માર્ટફોનથી એરક્નડીશન્ડ અને તમામ હવે જ આવશ્યક હાઉસ હોલ્ડરે તે મોંઘા થઈ રહ્યા છે.
ગોદરેજ, ડાબર જેવા ઉત્પાદનો ઘરોમાં પહોંચ્યા છે તે પણ 6-7%ના ભાવ વધારાની તૈયારીમાં છે તો ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘા બનશે. છેલ્લા 12 વર્ષથી આ સૌથી મોંઘુ જીવન બની જશે. છેલ્લા 10 વર્ષમાં માસિક ઘરેલુ ખર્ચ અઢી ગણું વધી ગયુ છે. 10 વર્ષ પુર્વે પરિવારનું બજેટ રૂા.20000નુ હતુ તે હવે વધીને રૂા.50000 થઈ ગયુ છે પણ આવક તેટલી વધી નથી.
6%ના મોંઘવારી દર ફુગાવાને ગણતરીમાં લો તો 10 વર્ષમાં આવક રૂા.80000 થવી જોઈએ તે થઈ નથી. ગરીબો ઘટયા તેવો દાવો થાય છે છતાં 80 કરોડ લોકોને મફત અનાજ દેવું પડે છે.
ભારતમાં મોંઘવારી દર સરેરાશ 5.1% રહ્યા છે. જેની સામે ભાવ વૃદ્ધિ 60% રહી છે એટલે કે 2014માં જે ખરીદી તમો રૂા.100માં કરી શકતા હતા તે આજે કરવામાં રૂા.160 ચુકવવા પડે છે પણ આવક તેટલી થઈ નથી અથવા જે આવક વધી છે તે ભાવવધારામાં ધોવાઈ ગઈ છે.
CNGના ભાવ 48 કલાકમાં ફરી વધ્યાઃ પેટ્રોલ-ડિઝલમાં પણ અનિશ્ચિત સ્થિતિ
દેશમાં મોંઘા ક્રુડતેલ-રૂપિયાની ગગડતી કિંમત તથા વૈશ્વિક સ્થિતિના કારણે દેશને જે ઓઈલ શોક લાગ્યો છે તેમાં ભારત જો થોડા ખાનગી કિંમતે પણ ક્રુડતેલ-ગેસ મેળવી શકે નહી તો આગામી સમયમાં પેટ્રોલ-ડિઝલ-ગેસના ભાવ વધી શકે છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ યુએઈની મુલાકાતમાં આ મુખ્ય એજન્ડા હતો પણ ઈરાન યુદ્ધથી ગલ્ફના દેશો પણ જબરા હીટ થયા છે. રશિયન ક્રુડતેલ ખરીદવા માટે અમેરિકાએ જે તા.16 મે સુધીની ડેડલાઈન આપી હતી તે પણ ખત્મ છે અને હજું અનિશ્ચિતતા છે તથા ક્રુડતેલ હજુ 100 ડોલર ઉપર જ રહેશે.
પુર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમની ચેતવણી છે કે ભારતનો આર્થિક પડકાર ફકત વિદેશી હુંડીયામણની ચિંતા નથી પણ લોકોને વ્યાજબી આજીવિકા ખર્ચમાં કાબુ રહે તે છે.
તેઓએ ઈંધણ કરકસરની વડાપ્રધાનની અપીલને સમયસરની ગણી છે. દિલ્હીમાં ફકત 48 કલાકમાંજ સીએનજીના ભાવ બીજી વખત વધારવા પડયા છે જે દર્શાવે છે કે હવે રોજબરોજ ભાવ સપાટી વધી શકે છે.

