Chennai,તા.25
ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોની અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મતભેદ ઊભા થયા હોવાની ચર્ચાએ ક્રિકેટ જગતમાં ચકચાર મચાવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આઇપીએલ બાદ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ થી અલગ થઈ શકે તેવી અટકળો તેજ બની છે. જોકે, આ અંગે અત્યાર સુધી ધોની અથવા ચેન્નાઈ સુપર કિંગ્સ મેનેજમેન્ટ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
રિપોર્ટ્સ અનુસાર, ટીમ મેનેજમેન્ટના કેટલાક નિર્ણયોને લઈને ધોની નારાજ હોવાનું જણાવાઈ રહ્યું છે. ખાસ કરીને ટીમના ભવિષ્ય અને નવા ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની વ્યૂહરચના અંગે બંને પક્ષો વચ્ચે મતભેદ હોવાની ચર્ચા ચાલી રહી છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ટીમના કેટલાક ટ્રાન્સફર અને સ્ક્વોડ સંબંધિત નિર્ણયો ધોનીની સલાહ વિના લેવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ, CSK હવે યુવા ખેલાડીઓને કેન્દ્રમાં રાખીને નવી ટીમ તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. બીજી તરફ, ધોનીની ફિટનેસ અને ઇજાઓને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. તાજેતરમાં જ ટીમ તરફથી જણાવાયું હતું કે ધોની કેલ્ફ ઇન્જરીમાંથી સાજા થઈ રહ્યા છે અને આ સિઝનમાં તેઓ કેટલીક મેચોમાં ઉપલબ્ધ રહ્યા નહોતા.
ઉલ્લેખનીય છે કે ધોની વર્ષ 2008થી CSK સાથે જોડાયેલા છે અને તેમની આગેવાનીમાં ટીમે પાંચ વખત ઈંઙક ખિતાબ જીત્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સની સફળતા પાછળ ધોનીનું નેતૃત્વ સૌથી મોટું કારણ માનવામાં આવે છે. આ કારણે ધોની અને CSK વચ્ચે અલગાવની ચર્ચાએ ચાહકોમાં પણ ભારે ઉત્સુકતા જગાવી છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે, પરંતુ સત્તાવાર પુષ્ટિ ન થતાં ચાહકો આગામી સમયમાં ધોની અથવા CSK તરફથી સ્પષ્ટતા આવે તેની રાહ જોઈ રહ્યા છે.

