અરવિંદ મણિયાર સોસાયટીમાં ભક્તિનગર પોલીસનો દરોડો દારૂ, બાઇટિંગ સહિતનો મુદ્દામાલ કબ્જે
Harpalsinh Jadeja,Rajkot,તા.25
શહેરના કોઠારીયા રોડ નજીક અરવિંદ મણિયાર સોસાયટીના રહેણાંક મકાનમાં અગાસી પર દારૂની મહેફિલ માણતા બે વેપારી સહીત ચાર શખ્સો ઝડપાયા હતા. ભક્તિનગર પોલીસે ચારેય શખ્સોને પકડી દારૂની બે બોટલ, બાઇટિંગ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરોડાની પ્રાપ્ત વિગત અનુસાર દારૂ-જુગારની ગેરકાયદે બદ્દીને ડામવાની ઉચ્ચ અધિકારીઓની સૂચનાને પગલે ભક્તિનગર પોલીસની ટીમો પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ચુડાસમા અને કોન્સ્ટેબલ કુલદીપસિંહ ચુડાસમાને બાતમી મળી હતી કે, કોઠારીયા રોડ પર હુડકો ચોકીની સામે શાળા નં-૬૧ હનુમાનજી મંદિર પાસે અરવિંદ મણીયાર સોસાયટી શેરીનં-૧૩ ના કોર્નર ઉપર આવેલ આશાપુરા એન્ટરપ્રાઇઝ ઓફિસ વાળા મકાનમાં અમુક શખ્સો દારૂની મહેફીલ માણી રહ્યા છે. જે હકીકત મળતા ભક્તિનગર પોલીસની ટીમે અહીં મકાનમાં દરોડો પાડતા અગાસી પર ટેબલ-ખુરશી રાખી ચાર શખ્સો દારૂની મહેફિલ માણતા મળી આવ્યા હતા. જેથી પોલીસે શરાબ ઢીંચતા જ્વલંતભાઈ રમેશભાઈ ઠાકર ( . કોઠારીયા મેઇન રોડ, હુડકો કવાટર સી-૧૬૨, રાજકોટ), રાજેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલ ( ધંઘો ડ્રાઇવીંગ રહે-આશાપુરા શેરીનં-૧૬, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ), સંજયભાઇ જીતેન્દ્રભાઇ વ્યાસ ( ઉ.વ.૪૩ ધંધો-વેપાર રહે-કોઠારીયા મેઇન રોડ, જુના હુડકો પોલીસ ચોકીની બાજુમાં, રાજકોટ) અને કિશનભાઇ નિલેશભાઇ લીંબડીયા ( ઘંઘો-ડ્રાઇવીંગ રહે-હુડકો પોલીસ ચોકીની સામે, હુડકો સોસાયટી શાળા નં-૬૧ ની પાછળ, કોઠારીયા રોડ, રાજકોટ)ની ઝડપી પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. અહીંથી પોલીસે દારૂની બોટલ, ગ્લાસ, બાઇટિંગ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

