Rajkot,તા.25
પડધરી તાલુકાના થોરીયાળી ગામમાં નદી પાસે રમી રહેલા એક વર્ષના માસૂમ બાળકને ટ્રેક્ટરના ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાળકનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતા શ્રમિક પરિવારમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, થોરીયાળી ગામમાં રહેતા સાગરભાઈ જખાલીયાનો ૧ વર્ષનો પુત્ર સોહમ ગઈકાલે ગામની નદી પાસે રમી રહ્યો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા ટ્રેક્ટરના ચાલકે સોહમને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં બાળક ઘટનાસ્થળે જ લોહીલુહાણ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બાળકને ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, ચાલુ સારવાર દરમિયાન જ માસૂમે દમ તોડી દીધો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક સોહમના પિતા સાગરભાઈ ખેતીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. મૃતક સોહમ ત્રણ ભાઈઓમાં સૌથી નાનો અને પરિવારનો વહાલસોયો હતો. માસૂમ પુત્રના અકાળે મોતથી માતા-પિતા સહિત સમગ્ર પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

