આત્મઘાતીનુ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી
Harpalsinh Jadeja,Rajkot,તા.25
શહેરના ન્યૂ નટરાજનગર વિસ્તારમાં ૨૫ વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ, ન્યૂ નટરાજનગર ટાઉનશીપ, ગોપાલ ચોક પાસે રહેતા ક્રિપાલભાઈ કિશોરભાઈ ખૂમાણ (ઉં.વ. ૨૫) ગઈકાલે પોતાના ઘરે એકલા હતા. આ દરમિયાન તેમણે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ પરિવારજનોને થતાં જ ભારે દોડધામ મચી ગઈ હતી.યુવાનને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલના તબીબોએ તપાસ કરીને તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક ક્રિપાલભાઈ એક ભાઈ અને બે બહેનોમાં વર્ચેટ (વચ્ચેના) હતા અને તેઓ અપરિણિત હતા. જુવાનજોધ દીકરાના અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલમાં યુવાને કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે જાણી શકાયું નથી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

