ધરમનગરમાં યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં શોક
Harpalsinh Jadeja,Rajkot,તા.25
શહેરમાં અલગ અલગ વિસ્તારમાં બે આપઘાતના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જેમાં પોપટપરા વિસ્તારમાં કેન્સરની ગાંઠના ઓપરેશનના ડરથી વૃદ્ધે ધરમનગર વિસ્તારમાં યુવાને પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા બંને પરિવારોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના પોપટપરા વિસ્તારમાં આવેલી કૃષ્ણપરા રઘુનંદન સોસાયટીમાં રહેતા નુરમહમ્મદ અલારખાભાઈ નાઈ (ઉ.વ. ૭૭)એ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, પરિવારના જણાવ્યા અનુસાર
મૃતક નુરમહમ્મદભાઈને છેલ્લા એકાદ વર્ષથી મોઢાના ભાગે ગાંઠ થઈ હતી, જેના કારણે તેઓ છેલ્લા એક મહિનાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સારવાર દરમિયાન તબીબોએ તપાસ કરીને આ ગાંઠ કેન્સરની હોવાનું જણાવ્યું હતું અને સોમવારે તેનું ઓપરેશન કરવું પડશે તેવી જાણ કરી હતી. ઓપરેશનની વાત સાંભળીને વૃદ્ધ ગભરાઈ ગયા હતા અને ભયમાં તેમણે ઓપરેશનના આગલા દિવસે ઘરે આત્મઘાતી પગલું ભરી લીધું હતું. પરિવારજનોએ તાત્કાલિક ૧૦૮ને જાણ કરી હતી, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્ર.નગર પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. મૃતકને સંતાનમાં બે પુત્રો હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં, ભગવતીપરા વિસ્તારમાં આવેલા ધરમનગર શેરી નં. ૧માં રહેતા ભરતભાઈ કાનજીભાઈ પરમાર (ઉ.વ. ૩૭)એ પોતાની ઓરડીમાં અગમ્ય કારણોસર લોખંડના પાઈપ સાથે પ્લાસ્ટિકની દોરી/પાઈપ બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. સવારે મોટાભાઈ ભરતભાઈને જગાડવા માટે ગયા ત્યારે ઓરડીનો દરવાજો અંદરથી બંધ હતો. દરવાજાની સ્ટોપર જેમ-તેમ કરીને ખોલી અંદર જોતા ભરતભાઈ લટકતી હાલતમાં મળી આવ્યા હતા. ૧૦૮ની ટીમે ઘટનાસ્થળે પહોંચી યુવાનને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં બી. ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. યુવાને ક્યા કારણોસર આપઘાત કર્યો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

