વાદી હિસ્સેદાર હોવાનું અને અને પ્રતિવાદી બાંધકામમાં ફેરફાર કરાવતા હોવાનું રેકર્ડ ઉપર આવ્યું
Harpalsinh Jadeja,Rajkot,તા.25
શહેરના મનહર પ્લોટ, શેરી નં. ૯માં આવેલ મિલ્કતમાં સહ હિસ્સેદાર દ્વારા બાંધકામમાં કેટલાક ફેરફાર કરવા સામે વાંધો લઇ ૫૦ ટકાનો હિસ્સો માંગી અને કોઈપણ પ્રકારનો મિલ્કતમાં ફેરફાર કરાવે નહિં તે અંગે કાયમ મનાઈ હુકમનો દાવો કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે.આ કેસની હકીકત મુજબ, મનહર પ્લોટ, શેરી નં. ૦૯ માં, જુનો આંકડા વાડી એરિયા તરીકે ઓળખાતી મિલ્કતમાં બે રૂમ, બે રસોડા, ઓરડી અને સંડાસ, પાણીની ટાંકીવાળું ડેલી બંધ મકાન કે જે ભૂપતસંગ વશરામભાઈ પઢિયારે ખરીદ કરેલ અને જે મિલકત ખરીદ કરતી વખતે અન્ય સહહિસ્સેદારને પૈસા આપેલ, પરંતુ આ કામના વાદી ભુપતસંગ થોડાક સમય અન્યત્ર રહેવા ગયેલ હોય પાછળથી આ કામના સહહિસ્સેદારે આખી મિલ્કતનો કબજો પચાવી પાડી અને મિલ્કતમાં કાયમી ધોરણે ફેરફાર કરવા માંડેલ, દરમ્યાન વાદી ભુપતસંગ અને બાઇકુ઼ંવરબા અવસાન પામતા, જેથી વારસદાર તરીકે પ્રતાપસિંગ ભૂપતસિંગ પઢિયાર જોડાયેલ અને પ્રતિવાદીઓ તરફે પણ ઉદેશી રામસિંગ પઢિયારના વારસો જોડાયેલ, તેજ રીતે ગજેન્દ્રસિંગ રામસિંગ પઢિયારના વારસો જોડાયેલ અને સુરેન્દ્ર રામસિંગ પઢિયાર પણ અવસાન પામેલ. વાદી અને પ્રતિવાદી સઘળાના વારસદારો આ કામમાં જોડાયેલા હતા. અને સદરહુ મિલ્કત રામસિંગ વશરામભાઈ અને ભૂપતસંગ વશરામભાઈની સંયુક્ત માલિકીની હોય, આ કામમાં કોર્ટે વાદી પ્રતાપસંગ ભૂપતસંગ પઢિયારના વારસદારોની જુબાની લીધેલ અને ત્યાર બાદ આ કામના પ્રતિવાદી ગુજ. સુરેન્દ્રસિંગ રામસિંગ પઢિયારના વારસદાર મયુરભાઈ સુરેન્દ્રસિંગ પઢિયારે કોર્ટમાં હાજર રહી પુરાવામાં સ્પષ્ટપણે કબુલ કરેલ કે, સદરહુ મિલ્કતમાં પૂજાની ઓરડી તેમજ અન્ય કાયમી ધોરણના બાંધકામ તથા ફેરફારો ચાલુ હતાં તેમજ આ કામે સ્થાનિક જગ્યાનું પંચનામું પણ કરવામાં આવેલ, જેમાં વાદી વા૨સાઈ મિલ્કતના કાયદેસરના હિસ્સેદાર હોય અને પ્રતિવાદીઓ દ્વારા કાયમી ધોરણે ફેરફાર કરાવતા હોવાનું રેકર્ડ પર આવેલ. ત્યાર બાદ આ કામ દલીલ ઉપર આવતાં આ કામે વાદી તેમજ પ્રતિવાદીઓના એડવોકેટની દલીલો સાંભળી કોર્ટ દ્વારા વાદગ્રસ્ત મિલ્કતમાં પ્રતિવાદીઓએ જાતે કે તેમના નોકર એજન્ટ કર્મચારી, મુખત્યાર, કોન્ટ્રાકટર મારફત વાદગ્રસ્ત મિલ્કતમાં કોર્પોરેશનની મંજુરી સિવાય અને વાદીની મંજુરી સિવાય પ્રતિવાદીઓ કોઈપ્રકારનો ફેરફાર કરે નહિં અને કાયદેસરનો ૫૦% નો હિસ્સો વાદીનો સમાયેલ છે. તેવું વિજ્ઞાપન કરતો હુકમ ફરમાવેલ છે. આ કામના વાદી પક્ષે એડવોકેટ અમીત. એસ.ભગત, ધમેન્દ્ર ડી. બરવાડીયા રોકાયા હતા.

