New Delhi, તા.26
પશ્ચિમ એશિયામાં વધતા તનાવ વચ્ચે ભારત અને અમેરિકા સહિત ક્વાડ દેશોએ વૈશ્વિક વ્યાપારને બચાવવા માટે મોટા પગલા ઉઠાવ્યા છે. ક્વાડે સાફ સાફ કહી દીધું છે કે સમુદ્રમાં કોઇની મનમાની નહીં ચાલે.
હોર્મુઝ જલ ડમુર મધ્ય જેવા દુનિયાના મુખ્ય સમુદ્રી માર્ગો પર વ્યાપારિક જહાજોની અવર-જવર કોઇપણ કિંમતે રોકવામાં નહીં દેવાય, જો કોઇએ તેને રોકવાની કોશિષ કરી તો ચારેય દેશ મળીને તેનો સખ્ત વિરોધ કરશે.
ક્વાડ દેશોએ ઉર્જા બજારને સ્થિર અને પારદર્શી બનાવવાની વાત કરી છે. તેના માટે સપ્લાય શૃંખલાને મજબૂત અને વિવિધ બનાવવામાં આવશે. સમુદ્રી વ્યાપાર માર્ગોની સુરક્ષા સૌથી વધુ જરુરી છે. આંતરરાષ્ટ્રીય જહાજોની અવર-જવરમાં કોઇ રોક ન હોવી જોઇએ, વૈશ્વિક સ્થિરતા માટે આ જરુરી છે.
ક્વાડની બેઠકમાં વિકાસશીલ અને નાના દ્વીપીય દેશોનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. વૈશ્વિક અનિશ્ચિતતા અને મિડિલ ઈસ્ટમાં વધતા જતા સૈન્ય તણાવ વચ્ચે ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના સંગઠન ક્વાડના વિદેશ મંત્રીઓની નવી દિલ્હીમાં હાઈ-લેવલ બેઠક યોજાઈ હતી.
ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ચારેય લોકતાંત્રિક દેશોએ મુક્ત અને સુરક્ષિત ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે એક થઈને કામ કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે.
ઇરાન સંઘર્ષને કારણે વૈશ્વિક એનર્જી સપ્લાય અને દરિયાઈ વેપાર ખોરવવાની આશંકાઓ વચ્ચે ક્વાડ દેશોએ મેરિટાઇમ સર્વેલન્સ (સમુદ્રી નજર રાખવી), પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્રિટિકલ મિનરલ્સ (મહત્વના ખનિજો)ને લઈને શ્રેણીબદ્ધ નવી પહેલોની જાહેરાત કરી છે.
વૈશ્વિક વેપારનો લગભગ 60 ટકા હિસ્સો ઇન્ડો-પેસિફિક (હિંદ-પ્રશાંત) ક્ષેત્રમાંથી પસાર થાય છે. તેને સુરક્ષિત રાખવા માટે બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા હતા. જેમાં મેરિટાઇમ સર્વેલન્સ ઇનિશિયેટિવ અંતર્ગત અમેરિકાના વિદેશ મંત્રી (સેક્રેટરી ઓફ સ્ટેટ) માર્કો બિયોએ નવી પહેલની જાહેરાત કરી છે, જે અંતર્ગત ચારેય દેશો પોતાની નજર રાખવાની ક્ષમતાઓને એકબીજા સાથે જોડશે અને રીઅલ-ટાઇમ ડેટા શેર કરશે.
ફિજીમાં પ્રથમ સંયુક્ત પોર્ટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રશાંત મહાસાગરમાં ચીનના વધતા પ્રભાવને કાઉન્ટર કરવા માટે ક્વાડ દેશો સંયુક્ત રીતે ફિજી (Fiji) દેશમાં પોર્ટ (બંદર) ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરશે. ક્વાડનો આ પ્રકારનો આ પ્રથમ સંયુક્ત પ્રોજેક્ટ છે.
ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોન્ગે જણાવ્યું હતું કે, ઇરાન દ્વારા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ રૂટને બંધ કરવાની ધમકીઓ વચ્ચે ક્વાડ દ્વારા ઇન્ડો-પેસિફિક એનર્જી સિક્યોરિટી ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવી છે.
આ સિસ્ટમ ટેકનોલોજી, પોલિસી કોઓર્ડિનેશન અને ઇમરજન્સી રિસ્પોન્સ પર કામ કરશે. દરિયાઈ રૂટ પર કોઈ પણ પ્રકારની જોહુકમી કે ટેક્સ વસૂલવાની પ્રવૃત્તિનો ક્વાડ દેશો સખત વિરોધ કરશે.
મોટાભાગની આધુનિક ટેકનોલોજી અને ઈલેક્ટ્રિક વાહનો માટે જરૂરી એવા રેર અર્થ મિનરલ્સ પર ચીનનું એકહથ્થુ શાસન તોડવા માટે ક્વાડ ક્રિટિકલ મિનરલ્સ ફ્રેમવર્ક મંજૂર કરવામાં આવ્યું છે.
ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે કડક સંદેશો આપતા જણાવ્યું કે, જે દેશો આતંકવાદી હુમલાનો સામનો કરી રહ્યા છે, તેમને આત્મરક્ષણ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. ક્વાડ સંગઠન આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે.

