નબળાઇ સહિતનાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા દસ સિંહને આઇસોલેશનમાં રાખી સારવાર શરૂ કરાઇ
Junagadh, તા.૨૭
વિશ્વમાં એશિયાટિક સિંહો માટે પ્રખ્યાત ગીરના જંગલમાં સિંહો સામે ફરીવાર બીમારીરૂપી ખતરો ઊભો થયો છે. સૌરાષ્ટ્રના ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વનવિભાગમાં ટૂંકા ગાળામાં ૮થી વધુ સિંહો અને સિંહબાળના મોત નીપજ્યા છે. કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (સીડીવી) અને બેબેસિયા જેવા જીવલેણ રોગચાળાના કારણે આ મોત થયાનું ચર્ચાય છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે વનવિભાગ તાત્કાલિક હાઈએલર્ટ પર આવી ગયો છે અને વન્યજીવોને બચાવવા માટે સઘન બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૮માં પણ ૨૯ સિંહનાં મોત થયા હતા.રાજ્યના વનમંત્રીએ જણાવ્યું હતું કે, બે સિંહના મોત બેબેસિયાથી થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે બાકીના અન્ય કારણોથી મોત થયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જમાં ગીર ગઢડા સરહદ પર એક જ દિવસમાં બે સિંહોના ભેદી રોગથી મોત થયા હતા. ઉપરાંત, ગીર પશ્ચિમ હેઠળ આવતી બાબરીયા અને જામવાળા રેન્જમાં પણ બેથી વધુ સિંહોના મોત નોંધાયા છે. સાવજના મોત અંગે વન્ય પ્રાણીચિકિત્સકો દ્વારા તેની તપાસ કરાતા તેમાં બેબીસીયા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાયા હતા. પ્રાથમિક રીતે દસ સિંહ નબળાઇ અને નાકમાંથી પાણી નીકળતું હોય તેવા શંકાસ્પદ લક્ષણો ધરાવતા હોવાનું જણાતા આસોલેટ કરી તમામના સેમ્પલ લઇ ઉપચાર શરૂ કરાયો છે. બેબેસિયા એક જીવલેણ રોગ છે, જે મનુષ્યોની સાથે-સાથે પશુઓ અને વન્યજીવોમાં પણ જોવા મળે છે. તે ‘બેબેસિયા’ નામના પરોપજીવી (પ્રોટોઝોઆ) દ્વારા ફેલાય છે. મેલેરિયાની જેમ જ આ પરોપજીવીઓ શરીરમાં દાખલ થઈ રક્તકણોનો નાશ કરે છે, જેથી સિંહોના શરીરમાં લોહીની તીવ્ર ઉણપ એટલે કે એનિમિયા સર્જાય છે અને આખરે મોતમાં પરિણમે છે. જ્યારે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (સીડીવી) એ એક અત્યંત ચેપી અને જીવલેણ વાયરસ છે. સામાન્ય રીતે આ વાયરસ કૂતરાઓમાં જોવા મળે છે, પરંતુ તે સિંહ, વાઘ અને ચિત્તા જેવા વન્યજીવો માટે પણ એટલો જ ખતરનાક અને જીવલેણ સાબિત થઈ શકે છે. ભૂતકાળમાં આ વાયરસના કારણે ઘણા સિંહોના મોત થયા હતા.વન વિભાગના પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ જયપાલ સિંહે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ચિંતાની કોઈ વાત નથી. કુલ મૃત્યુ પાંચ થયા છે અને આ પાંચમાંથી માત્ર બે સિંહના બચ્ચાઓનું મૃત્યુ મહામારીથી થયું છે. સિંહના બચ્ચાઓની ઈમ્યુનિટી ઓછી હોય છે, જેના કારણે તેઓ આ બીમારી પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. બે બચ્ચાઓનું મૃત્યુ નિમોનિયા અને ફેફસામાં પાણી ભરાવાથી થયું છે, જ્યારે બે સિંહનું મૃત્યુ કુદરતી કારણોથી અને એકનું મૃત્યુ લડાઈમાં થયું છે. વન વિભાગ દ્વારા સિંહો અને તેમના પરિવાર પર બારીકાઇથી નજર રાખવા તંત્રને સાબદું કરાયું છે.

