New Delhi, તા.1
ગત વર્ષે 22 એપ્રિલે કાશ્મીરના પહેલગાવમાં થયેલા આતંકી હુમલાનું ષડયંત્ર ચાર વર્ષથી રચાઈ રહ્યું હતું અને નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી જેમ જેમ તપાસ આગળ વધારતી જાય છે તેમ તેમ તેના પાકિસ્તાન સાથેના કનેકશનના પુરાવા પણ મજબૂત રીતે મળી રહ્યા છે.
સુરક્ષા દળો સાથે એનઆઈએ રાજયભરમાં દરોડા પાડયા હતા. 28 જુલાઈ 2025ના પાડવામાં આવેલા દરોડામાં ત્રણ આતંકીને ઘેરી લઈને ઠાર મરાયા હતા. જેની ઓળખ ફૈઝલ જટ્ટ ઉર્ફે સુલેમાન શા, હબીબ તાહીર ઉર્ફે ઝીબ્રાન અને હમઝા અફઘાની તરીકે થઈ હતી. તેની પાસેથી બે મોબાઈલ કબ્જે કરાયા હતા.
તેમાં હવે મોટા ધડાકા થયા છે. ચાઈનીઝ કંપની શીઓમીના મોબાઈલ ફોન ઉપરાંત રેડમી 9ટી અને રેડમી નોટ 12 પ્રકારના મોબાઈલની ટેકનીકલ જાણકારી અને કંપની પાસેથી તેના વેચાણ અંગે માહિતી મંગાઈ હતી.
જેમાં જણાવાયું હતું કે, આ મોબાઈલ 2021માં પાકિસ્તાનમાં મોકલવામાં આવ્યા હતા. કંપનીએ પોતાના શોરૂમ માટે મોટા જથ્થામાં આ મોબાઈલ નિકાસ કર્યા હતા. આમ કાનુની રીતે પાકિસ્તાન પહોંચ્યા બાદ રેકોર્ડ મુજબ તેનું ફંડીંગ ફૈઝલ બેંક દ્વારા કરવામાં આવ્યું હતું અને બાદમાં આ મોબાઈલ ચાર વર્ષ સુધી સક્રીય કરાયા ન હતા.
પરંતુ અચાનક જ પહેલગાવ હુમલા પુર્વે જ તે એકટીવ થયા હતા. આમ આ મોબાઈલ ખાસ પહેલગાવ હુમલા માટે ખરીદાયા હોવાનું બહાર આવ્યુ છે અને તેમાં કરાચીથી સમગ્ર હુમલાનું સંચાલન થતુ હતું. ફૈઝલ બેંક એ અગાઉ પણ આતંકી હુમલાના ફંડીંગની હેરાફેરીમાં જાણીતી બની હતી.

